ક્રૂડતેલના ભાવ ઉછળતાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક બજારમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૮૦ ડૉલરની સપાટી કુદાવી જતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૭ના બંધ સામે ૮૩.૯૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૫ અને ઉપરમાં ખૂલતી જ ૮૩.૯૧ની સપાટીની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૨ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં રેટ કટના આશાવાદને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેવાની શક્યતા છે. તેમ છતાં મધ્ય પૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવની સ્થિતિ અને બ્રેન્ટ ક્રૂડતેલના વધતા ભાવ રૂપિયામાં સુધારો અવરોધી શકે છે, એમ બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. જોકે, ફોરેક્સ ટ્રેડરોનું માનવું છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના બજારમાં હસ્તક્ષેપને કારણે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાતો રહેશે. દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા ઘટીને ૧૦૦.૭૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આગળ ધપતા બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૩.૬૫ પૉઈન્ટનો અને ૭.૧૫ પૉઈન્ટનો સુધારો આવવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટી માર્કેટમાં રૂ. ૪૮૩.૩૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે જણાવતાં રૂપિયાને ટેકો મળ્યો હતો, પરંતુ ગઈકાલે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.