ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બેદિવસીય બેઠકના અંતે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતના અણસાર આપતા ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા બાઉન્સબૅક ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડીને ૮૩.૭૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૬૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૫ અને ઉપરમાં ૮૩.૬૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા ઘટીને ૮૩.૭૩ની સપાટીએ બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૯ ટકા વધીને ૧૦૪.૧૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭૮ ટકા વધીને બેરલદીઠ ૮૧.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૪૬૨.૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૧૨૬.૨૧ પૉઈન્ટ અને ૫૯.૭૫ પૉઈન્ટ વધીને બંધ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.