વેપાર

ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૮૩.૬૬ની ઐતિહાસિક નીચી સપાટી સુધી ગબડ્યા બાદ અંતે આગલા બંધ સામે પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૬૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ અને ગત મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૭૧.૪૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ સાધારણ સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં મોટો કડાકો અટક્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો આગલા ૮૩.૫૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૫૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૬૬ અને ઉપરમાં ૮૩.૫૫ની રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૬૩ની સપાટીએ બંધ રહ્યો હતો. તાજેતરમાં વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત ડૉલર સામે એશિયન ચલણો તથા યુરો નબળા પડી રહ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી ધારણા ટ્રેડરો રાખી રહ્યા છે. જોકે, બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં મક્કમથી સુધારાતરફી વલણ રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવશે, પરંતુ અમુક અંશે ઈક્વિટી માર્કેટમાં સુધારા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીથી રૂપિયાને ટેકો મળતો રહેશે. દરમિયાન આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૯ ટકા વધીને ૧૦૩.૮૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button