ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૨ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૩૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૭ અને ઉપરમાં ખૂલતી જ ૮૩.૩૬ની સપાટીની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા ઘટીને સત્રની નીચી ૮૩.૪૭ની સપાટીએ જ બંધ રહ્યો હતો.
એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૧ ટકાના ઘટાડા સાથે ૧૦૪.૮૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, પરંતુ મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાને કારણે આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધીને બેરલદીઠ ૮૯ ડૉલરની સપાટી સુધી પહોંચ્યાના નિર્દેશ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૭.૦૯ પૉઈન્ટનો અને ૧૮.૬૫ પૉઈન્ટનો ઘટાડો તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬૨૨.૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, સ્થાનિકમાં ગત માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક વધીને ૧૬ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હોવાથી તેમ જ ગત સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત પણ વધીને વિક્રમ સપાટીએ પહોંચતા એકંદરે દેશની આર્થિક સ્થિતિ મજબૂતીનો નિર્દેશ આપતી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.