વેપાર

ધાતુમાં વધ્યા મથાળેથી પીછેહઠ, વેપાર પાંખાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ટીનમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આ સિવાયની તમામ ધાતુઓમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી પાંચનો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે વિવિધ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી તેમ જ વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ સામે સપ્તાહના અંતને કારણે સાર્વત્રિક સ્તરેથી કામકાજો પાંખાં રહેતા ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં મુખ્યત્વે નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૧૪૪૩, કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને અનુક્રમે રૂ. ૮૩૨ અને રૂ. ૨૩૩, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૭૨૩ અને રૂ. ૫૫૭, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૯૩, રૂ. ૭૮૫ અને રૂ. ૭૭૫ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૭૪ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૨૫ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ટીનના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૧૯૫ અને રૂ. ૨૮૨૨ના મથાળે રહ્યા હતા, જ્યારે ખપપૂરતી માગને ટેકે લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧૯૧ના મથાળે ટકેલા રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button