રોલેક્સ – સેલ્ફલેસ સર્વિસ: એક વ્યક્તિની વિચારસરણી સમાજની તસવીર બદલી શકે
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
આજકાલ વિશ્ર્વમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓ વાપરવી તે પ્રતિષ્ઠાનું પ્રતીક છે અને તેમાં પણ જો ઉચ્ચ બ્રાન્ડ હોય તો તે સોનામાં સુગંધ બરાબર છે. જેમ કે મોટરકાર હોવી તે પ્રતિષ્ઠા છે પણ તેમાંય રોલ્સ રોય કાર હોવી તે પ્રતિષ્ઠાનું પ્રતીક છે. પરિધાનમાં અરમાની બ્રાન્ડના રેડીમેડ કપડાઓ, મોબાઈલ ફોન્સમાં એપલ બ્રાન્ડ અને ડાયમંડના દાગીનાઓ ટીફનીના શો રૂમમાંથી ખરીદવા તે પ્રતિષ્ઠાનું પ્રતીક છે તેવી જ રીતે ઘડિયાળોમાં રોલેક્સ બ્રાન્ડની ઘડિયાળ હોવી તે ઉચ્ચ પ્રતિષ્ઠાનું પ્રતીક છે.
વિશ્ર્વની અલગ અલગ ક્ષેત્રની ઉચ્ચ કક્ષાની કંપનીઓની સફળતાઓનું માપદંડ તેઓનું બેલેન્સ શીટ, માર્કેટ કેપિટલાઈઝેશન, સ્ટોક માર્કેટમાં તે કંપનીના શેરનું પરફોર્મન્સ વગેરે હોય છે જેમ કે એપલ, ગૂગલ, ફેસબુક, અલીબાબા, માઈક્રોસોફ્ટ જેવી અવ્વલ નંબરની કંપનીઓના શેર્સ અમેરિકામાં ન્યૂયાર્ક સ્ટોક એક્સચેંજ કે નેસડેકમાં લિસ્ટેડ થતા હોય છે, કંપનીઓના ત્રિમાસિકથી માંડીને વાર્ષિક ફાઈનાન્શિયલ રિઝલ્ટ પબ્લિક ડોમેઈનમાં અવેલેબલ હોય છે, આ કંપનીઓ તેના નફાની કેટલી રકમ સીએસઆર મતલબ સામાજિક ક્ષેત્રમાં જાહેર હિતમાં વાપરે છે, કેટલું ડિવિડંડ ડીકલેર કરે છે વગેરે આંકડાઓ અવારનવાર પ્રસિદ્ધ થતા હોય છે અને તે બધાના માપદંડ પરથી એનાલિસ્ટ્સ આ કંપનીઓમાં રોકાણ કરાય કે નહીં કરાય તો કયા સ્ટેજે કરાય, ભવિષ્યમાં રોકાણ કેટલો નફો કમાવી આપશે તેની ભલામણો કરતા હોય છે પણ સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે વિશ્ર્વની સુપ્રસિદ્ધ અને સ્ટેટ્સ સિમ્બોલ વોચ રોલેક્સનું બેલેન્સ શીટ, માર્કેટ કેપિટલાઈઝેશન, શેર પ્રાઈઝ કે કોઈપણ પ્રકારની માહિતી ઉપલબ્ધ નથી કારણ કે રોલેક્સ કોઈ કંપનીની માલિકીની નથી પણ એક નોનપ્રોફિટ ટ્રસ્ટ મેનેજ કરે છે. જેનો નફો માત્ર ચેરિટી અને રોલેક્સના વિકાસ અને કર્મચારીઓની સવલતો માટે વપરાય છે તેથી રોલેક્સના શેર્સ ક્યાંય લિસ્ટેડ જ નથી.!!
રોલેક્સનો રસપ્રદ ઈતિહાસ:
ઈંગ્લેન્ડમાં ૧૯૦૫માં આલફ્રેડ ડેવીસ અને હન્સ વિલ્સડૉફ નામની સાળા બનેવીની જોડીએ ઘડિયાળ બનાવવાની કંપની સ્થાપી જે સ્વિટ્ઝર્લેન્ડથી ઘડિયાળના સોનાચાંદીના પાર્ટ્સ મંગાવીને ઘડિયાળોમાં ફીટ કરીને “ડબલ્યુ ઍન્ડ ડી બ્રાન્ડથી મોટા મોટા જ્વેલર્સને સપ્લાઈ કરવા લાગ્યા અને ત્યારથી જ ઘડિયાળની માર્કેટમાં રત્નજડિત કીમતી ઘડિયાળમાં તેમનું નામ કરવા લાગ્યા. ૧૯૧૯માં પ્રથમ વિશ્ર્વ યુદ્ધ દરમ્યાન ઈંગ્લેન્ડે સ્વિટ્ઝર્લેન્ડથી આયાત થતા અને ઈંગ્લેન્ડથી નિકાસ થતી સોનાચાંદીના પાર્ટ્સ અને ઘડિયાળો ઉપર ડ્યૂટી લગાવતા આ સાળા બનેવી તેની કંપનીનું સ્થળાંતર સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં ૧૫ નવેમ્બર, ૧૯૧૫માં રોલેક્સ બ્રાન્ડ રજિસ્ટર્ડ કરીને રોલેક્સ વોચ કંપનીની સ્થાપના કરીને કર્યું જે આજે “રોલેક્સ એસ.એ. નામે ઓળખાય છે. બોલવામાં સરળ હોવાના કારણે જ કંપનીનું નામ અને ઘડિયાળની બ્રાન્ડ રોલેક્સ રાખવામાં આવેલ હતા.
રોલેક્સ વોચના સ્થાપક વિલ્સડોર્ફ એક જર્મન અનાથ હતા તેથી સંવેદનશીલ વ્યક્તિ હતા, જ્યારે દ્વિતીય વિશ્ર્વયુદ્ધ દરમ્યાન રોય એર ફોર્સના પાઈલોટોને હલકી ઘડિયાળોના કારણે સાચા સમયની માહિતી નહોતી મળતી ત્યારે આ અનાથ જર્મન વિલ્સડોર્ફએ રોયલ એર ફોર્સને ઘડિયાળો સપ્લાઈ કરવાનું શરૂ કર્યું અને જ્યારે તેમને ખબર પડી કે લડાઈમાં પકડાઈ જતા રોયલ એર ફોર્સના પાઈલોટો પાસેથી રોલેક્સ કાંડા ઘડિયાળી ઉતારી લેવામાં આવે છે ત્યારે આ યુદ્ધકેદીઓને ફરી રોલેક્સ ઘડિયાળની સપ્લાઈ વિનામૂલ્યે યુદ્ધની સમાપ્તિ સુધી ચાલુ રાખી.
૧૯૪૪માં હન્સ વિલ્સડોર્ફની સંતાનરહિત પત્ની ફલોરેન્સ ફ્રાન્સીસ મેનુ મૃત્યુ થતા “હન્સ વિલ્સડોર્ફ ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની રચના કરીને તેના અને તેની પત્નીના નામે રોલેક્સ કંપનીના જે શેર્સ હતા તે ટ્રાન્સફર કર્યા અને રોલેક્સને એક નોનપ્રોફિટ ચેરિટેબલ સંસ્થા બનાવી દીધી. ૬ જુલાઈ, ૧૯૬૦ના રોજ હન્સ પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અને વિરાસતમાં છોડી ગયા “રોલેક્સ બ્રાન્ડ અને અબજો ડૉલર્સની રોલેક્સ વોચનું ઉત્પાદન કરતું એકમ કે જે એક નોનપ્રોફિટ ટ્રસ્ટ ચલાવે છે જેનો નફો સ્વિટ્ઝર્લેન્ડના કાયદા મુજબ ટેક્સ એક્ઝેમ્પટ છે અને તેથી તેના નફા ઉપર એક પણ સ્વિસ ફ્રેન્કનો ટેક્સ નથી ઉપરાંત બેલેન્સ શીટ પબ્લિકમાં પ્રસિદ્ધ કરવું જરૂરી નથી કારણ કે પબ્લિકના પૈસા લાગેલા નથી અને તેથી જ આજે રોલેક્સ કંપનીનું કેપિટલાઈઝેશન કેટલું છે કેટલી બૅંક બેલેન્સ છે, કેટલી એસેટ્સ છે તેવા કોઈ આંકડાઓ ઉપલબ્ધ નથી પણ એક વાત ચોક્કસ છે કે રોલેકસના અનાથ સ્થાપક હન્સ વિલ્સડોર્ફની ઈચ્છાનુસાર રોલેક્સનો નફો યુરોપના અનાથાશ્રમમાં રહેતાં બાળકોના ઉત્થાન માટે વપરાય છે.
રોલેક્સ વોચ કોઈ માલિકીની કંપની નથી શેર્સની માલિકી હન્સ વિલ્સડોર્ફ ફાઉન્ડેશન પાસે છે. સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો રોલેક્સ મેનેજ કરે છે તેઓ પાસે રોલેક્સનો એક પણ શેર નથી એક રૂપિયાનું મહેનતાણું લેતા નથી, નફામાં તેઓનો કોઈ ભાગ નથી તેમ છતાં રોલેક્સની બ્રાન્ડોમાં તે અગ્રસ્થાને છે વર્ષ ૪ બિલિયન ડૉલર્સનું વેચાણ કરતી રોલેક્સ કંપની ફોર્બ્સના લિસ્ટમાં ૬૪મા ક્રમાંકે આવે છે.
રોલેક્સ એક કોઈપણ પ્રકારનું નાણાકીય હિત નહીં ધરાવતા ટ્રસ્ટીઓ દ્વારા વર્ષોથી માત્ર ઘડિયાળોની ગુણવત્તા જાળવીને નહીં પણ તેમાં ઉત્તરોત્તર વધારો કરીને બ્રાન્ડ વેલ્યૂમાં સતત ઉમેરો કરીને નફો કમાઈને નફાની રકમ અનાથાશ્રમમાં વસતાં બાળકોના ભવિષ્યને સંવારવામાં વાપરીને સમાજની કેમ સારી સેવા કરી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
એક માણસનું થિંકિંગ સમાજની તસવીર કેમ બદલી શકે છે તે રોલેક્સના સર્જક હન્સ વિલ્સડોર્ફએ ટ્રસ્ટ સ્થાપીને કરી બતાવ્યું કે “યુ કેન સર્વ ધ પીપલ ફોર એવર ઇવન આફ્ટર
યોર ડેથ.