વેપાર

રિવર્સલ ટ્રેન્ડ: તેજીવાળા બજાર પર હાવી, નિફ્ટી ૨૫૬૦૦-૨૫૭૦૦ના સ્તરની રેન્જમાં પહોંચી શકે

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઈ: દેશભરમાં મજબૂત ચોમાસા સાથે તહેવારોમાં સારી માગ નીકળવાના આશાવાદ અને વૈશ્ર્વિક મોરચે અમેરિકાની ફેડરલ વ્યાજદરમાં ઘટાડો કરે આવી સંભાવના પ્રબળ બનવા સાથે શેરબજારે નવા શિખરો સર કરવાનું ચાલુ રાખ્યું હતુ. સમીક્ષા હેટળના સપ્તાહમાં બીએસઇ સેન્સેક્સ ૧,૭૦૭.૦૧ પોઈન્ટ્સ અથવા ૨.૧૦ ટકા વધીને ૮૨,૮૯૦.૯૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે એનએસઇનો નિફ્ટી ઈન્ડેક્સ ૫૦૪.૩૫ પોઈન્ટ્સ અથવા ૨.૦૨ ટકા વધીને ૨૫,૩૫૬.૫૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે.

વ્યાપક બજારમાં પણ સારી લેવાલી રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સ બે ટકા વધ્યો, લાર્જકેપ ઇન્ડેક્સ પણ લગભગ બે ટકા વધ્યો અને મિડકેપ ઇન્ડેક્સ ૧.૫ ટકા વધ્યો હતો. ૧૨ સપ્ટેમ્બરના રોજ, નિફ્ટી૫૦ અને બીએસઇ સેન્સેક્સે અનુક્રમે ૨૫,૪૩૩.૩૫ અને ૮૩,૧૧૬.૧૯ની વિક્રમી ઊંચાઈ હાંસલ કરી હતી.

ક્ષેત્રીય મોરચે, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૨.૬ ટકા નીચે ગબડ્યો હતો, તે સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.

ભારતીય શેરબજારોએ સમીક્ષા હેઠળના પાછલા અઠવાડિયે એફઆઈઆઈના ડિસ્ક્લોઝર ધોરણો માટેની સેબીની ડેટલાઇન પૂરી થવા સાથે અમેરિકામાં મંદીના ભયને કારણે ઉદ્ભવેલા નકારાત્મક સેન્ટિમેન્ટ્સને અંકુશમાં લેવામાં સફળ રહ્યાં હતાં. યુએસ ફુગાવાના ડેટા અને બેરોજગારીના દાવાઓ, ડોમેસ્ટિક ઇન્ફલેશન અને મેન્યુફેક્ચરિંગ ડેટા જેવા મેક્રો-ઈકોનોમિક ડેટા પોઈન્ટ્સને કારણે સપ્તાહના પ્રારંભિક સમયગાળામાં બજારના સહભાગીઓમાં સાવચેતીનું માનસ પણ જોવા મળ્યું હતું.

અસ્થિરતા હોવા છતાં, મજબૂત ચોમાસા સાથે તહેવારોની મોસમ દરમિયાન ગ્રાહક માગમાં વધારાની અપેક્ષાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને મજબૂતી આપી હતી. આ ઉપરાતં વિદેશી સંસ્થાકીય ફંડ અને સ્થાનિક સંસ્થાકીય ફંડનો રોકાણ પ્રવાહ પણ સારો રહ્યો હતો. અમેરિકાના ફુગાવામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે અને જોબ માર્કેટમાં ઠંડુ વલણ રહ્યું હતું. ભારતીય ફુગાવો મોટે ભાગે સ્થિર રહ્યો હતો, જ્યારે જુલાઈના આઇઆઇપીમાં વધારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે યુોપયિન સેન્ટ્રલ બેન્ક અને ફેજડરલ રિઝર્વ દ્વારા રેટ કટના આશાવાદે સમગ્ર વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં હકારાત્મક પ્રોત્સાહન પૂરું પાડ્યું હોવાથી બજાર નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે.

બજારના અભ્યાસુઓ અનુસાર આગળ જતાં, બજારનું ધ્યાન આગામી સપ્તાહે યોજાનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)ની મીટિંગ પર રહેશે, એ જ સાથે, સ્થાનિક બજારની દિશા કોર્પોરેટ કમાણીથી પણ પ્રભાવિત થશે, જે બીજા ત્રિમાસિક સમયગાળામાં સુધરો થવાની આગાહી છે.

બજાજ હાઉસિંગના લિસ્ટીંગ અગાઉ બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. બજાજ હાઉસિંગના રૂ. ૬૫૬૦ કરોડનો આઇપીઓ ૬૪ગણો ભરાયો હતો અને તે રૂ. ૩.૨૪ લાખ કરોડની બિડ મળી હતી જે ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યા દર્શાવે છે.

બ્રાઈટ સ્ટીલ બાર અને વાયરની વિશાળ શ્રેણીના અગ્રણી ઉત્પાદક, મેઇડન ફોર્જિંગ્સ લિમિટેડે તેની વર્તમાન ક્ષમતાના કોન્સોલિડેશન અને ભાવિ વિસ્તરણના હેતુસર ગાઝીયાબાદ સ્થિત મોદીનગરમાં ચાર એકર જમીનની નોંધણી કરાવી છે. કંપની બજારમાં વધતી માગને પહોંચી વળવા ઉત્પાદન ક્ષમતા વધારવા માગે છે.

સ્મોલ કેપ શેરોમાં મોટા ઉછાળા જોવા મળ્યાં હતાં. હાર્ડવિન, પેનેસિયા બાયોટેક, સાધના નાઈટ્રોકેમ, ક્રેસંડા સોલ્યુશન, રેનેસાન્સ ગ્લોબલ, જ્યુબિલન્ટ ફાર્મા, સુંદરમ ક્લેટોન, ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ, એસ્ટર ઈન્ડસ્ટ્રીઝ અને સેન્ચ્યુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના શેર ૨૦થી ૩૦ ટકા વચ્ચે વધ્યા હતા. જોકે, બીજી તરફ અબાન્સ હોલ્ડિંગ્સ, ગ્રાન્યુલ્સ ઈન્ડિયા, એમપીએસ, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ, ટીવી ટુડે નેટવર્ક, જાગરણ પ્રકાશન, સેરા સેનિટરીવેર, ફોનિક્સ મિલ્સ અને ડીદેવ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાતથી ૧૧ ટકા વચ્ચે ઘટ્યા હતા.

એકાદ બે વર્ષમાં શ્રી રામ ગ્રુપે તેની વીમા કંપનીના લિસ્ટિંગની વિચારણા હોવાનું કંપની અધિકારીએ જણાવ્યું હતું. પેલેટ્રો લિમિટેડ ૨૭.૯૯ લાખ શેર ઇક્વિટી શેરના જાહેર ભરણાં સાથે ૧૬મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. બુક બિલ્ટ ધોરણના આ ભરણામાં પ્રાઇસ બેન્ડ રૂ. ૧૯૦થી ૨૦૦ પ્રતિ શેર છે અને લોટ સાઇઝ ૬૦૦ ઇક્વિટી શેરની છે. ભરણું ૧૯મીએ બંધ થશે અને લિસ્ટિંગ ૨૪મીએ થવાની ધારણા છે. કંપનીનું કસ્ટમર પ્લેટફોર્મ ૩૦ દેશમાં એક અબજ લોકો સાથે કનેક્ટ થાય છે. સેમસંગે ભારતમાં વેચાણ ઘટવાને કારણે ૨૦૦ કર્મચારીની છટણી કરી છે.

ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે કહ્યું હતું કે, બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ન પછી તરત જ બુલિશ એન્ગલ્ફિંગ પેટર્નની ઘટના બજારના સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર ફેરફાર સૂચવી શકે છે, જે મંદીથી તેજીતરફી વલણો તરફ સંભવિત રિવર્સલ સૂચવે છે. પ્રારંભિક બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ને મજબૂત વેચવાલીનું દબાણ સૂચવ્યું હતું, પરંતુ તે પછીની તેજીની એન્ગલ્ફિંગ પેટર્ન સૂચવે છે કે તેજીવાળાઓએ બજાર પર અંકુશ પાછો મેળવી લીધો છે અનેે તેઓ અગાઉના ડાઉનટ્રેન્ડને ઉલટાવી દેશે.

બજારમાં ખાસ કરીને સટ્ટો કરનારા વર્ગ માટે જોકે આ રિવર્સલની પુષ્ટિ કરવી મહત્ત્વની છે. ટ્રેન્ડ રિવર્સલ માટે કેસને મજબૂત કરવા માટે બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન પછી વધારાની બુલિશ કેન્ડલ્સની સર્જાય તો ટ્રેન્ડ રિવર્સલનો કેસ વધુ મજબૂ બની શકે છે. આ ઉપરાંત વોલ્યુમમાં ઉછાળા આરએસઆઇ અથવા એમએસીડી સહિતના અન્ય ટેકિનિકલ ઇન્ડેક્સ પણ બુલિશ સેન્ટિમેન્ટની પુષ્ટિ આપી શકે છે.

સારાંશમાં, બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ન પછી તરત જ બનતી તેજીની એન્ગલ્ફિંગ પેટર્ન બજારના વલણોમાં મજબૂત રિવર્સલનો સંકેત આપી શકે છે, જે સ્ટોક ટ્રેડર્સને તેમના પોર્ટફોલિયોનું પુન:મૂલ્યાંકન કરવા અને સંભવિતપણે લાંબા સોદામાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરે છે.

નોંધવું રહ્યું કે, પાછલા સત્રમાં ગુરુવારે છેલ્લા કલાકોમાં નીકળેલી તેજીએ સેન્સેક્સને પહેલી જ વખત ૮૩,૦૦૦ના સ્તરે પહોંચાડી દીધો હતો. બેરોમીટર ૧,૫૯૩.૦૩ પોઈન્ટ અથવા ૧.૯૫ ટકા વધીને ૮૩,૧૧૬.૧૯ના જીવનકાળની ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યું હતું. ઈન્ડેક્સ ૧,૪૩૯.૫૫ પોઈન્ટ અથવા ૧.૭૭ ટકા વધીને ૮૨,૯૬૨.૭૧ની વિક્રમી સપાટીએ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૪૭૦.૪૫ પોઈન્ટ અથવા ૧.૮૯ ટકા વધીને ૨૫,૩૮૮.૯૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક તેની ૨૫,૪૩૩.૩૫ પોઇન્ટની તેની તાજી ઓલટાઇમ ઇન્ટ્રાડે હાઇ સપાટી પર પહોંચ્યો હતો.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને આ સપ્તાહની પોલિસી મીટિંગમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની અપેક્ષાએ ભારે આશાવાદને વેગ આપ્યો હતો. અલબત્ત યુએસ સીપીઆઈ ડેટા આક્રમક રેટ કટ માટે પ્રેરક બની શકે એવા નથી પરંતુ, તાજેતરના આર્થિક ડેટા દર્શાવે છે કે અર્થતંત્ર આગળ જતાં પડકારોનો સામનો કરવા સજ્જ છે અને તેથી ફેડરલ રીઝર્વ રેટ કટ માટે આગળ વધી શકે છે. અગ્રણી મ્યુચ્યુઅલ ફંડના રિસર્ચ સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું હતું કે, સ્થાનિક બજારોમાં અતિશય ઊંચા મૂલ્યાંકનની ચિંતા છતાં રીટેલ નાણાં પ્રવાહ ચાલુ રહ્યો હોવાથી એવું જણાઇ રહ્યું છે કે, રોકાણકારો ધીમી ગતિમાં સપડાઇ ગયેલી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા સામે ભારતના સ્થિતિસ્થાપક અર્થતંત્રમાં વિશ્ર્વાસ ધરાવે છે. ટેકનિકલી રીતે, સપ્ટેમ્બરના અંત સુધીમાં નિફ્ટી ૨૫૬૦૦-૨૫૭૦૦ના સ્તરની રેન્જમાં પહોંચી શકે એવી ભારે સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button