IPO: આનંદો… રિલાયન્સ જિયોને આવશે આઈપીઓ, 5 વર્ષથી જોવાઈ રહી છે રાહ | મુંબઈ સમાચાર
નેશનલવેપાર

IPO: આનંદો… રિલાયન્સ જિયોને આવશે આઈપીઓ, 5 વર્ષથી જોવાઈ રહી છે રાહ

Reliance Jio IPO Watch: રિલાયન્સ જિયો ઈન્ફોકોમના આઈપીઓની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમનો આઈપીઓ વર્ષ 2025માં આવી શકે છે. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો જાહેર ભરણું 2025માં લાવી શકે છે. જોકે આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કરોડો રોકાણકારો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યૂ 8.4 લાખ કરોડ રૂપિયા કે 100 બિલિયન ડૉલર આસપાસ છે. જ્યારે તેનો આઈપીઓ આવશે ત્યારે ભારતનો સૌથી મોટો આઈપીઓ હશે. રિલાયન્સ જિયોના આશરે 47.9 કરોડ સબ્સ્ક્રાઈબર્સ છે અને તે ભારતની સૌથી વધારે ગ્રાહકો ધરાવતી ટેલીકોમ કંપની છે. કંપનીની મુખ્ય સ્પર્ધા ભારતી એરટેલ સાથે છે.

5 વર્ષથી આઈપીઓની જોવાઈ રહી છે રાહ
ભારતમાં ટેલીફોન, બ્રોડબેન્ડ સર્વિસ અને ડિજિટલ સર્વિસમાં અગ્રેસર રિલાયન્સ જિયો ઈન્ફોકોમના આઈપીઓનો રોકાણકારો 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. મુકેશ અંબાણીએ વર્ષ 2019માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની AGMમાં જાહેરાત કરી હતી કે તેઓ તેમની ટેલિકમ્યૂનિકેશન કંપની અને રિટેલ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરાવવાનો ઈરાદો ધરાવે છે.

આ પણ વાંચો : રિલાયન્સના નબળા પરિણામ અને ઇન્ફલેશનના ઉછાળાએ સેન્સેક્સને નેગેટિવ ઝોનમાં ધકેલ્યો

કેવી રીતે આવી શકે છે રિલાયન્સ જિયોનો આઈપીઓ
રિપોર્ટ મુજબ, રિલાયન્સ જિયોનો આઈપીઓ બે રીતે આવી શકે છે. તેમાં પહેલી રીત રિલાયન્સ જિયોના સ્પિન ઓફ દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીથી અલગ કર્યા બાદ પ્રાઈસ ડિસ્કવરી સિસ્ટમ અંતર્ગત શેરબજારમાં લિસ્ટ કરાવવામાં આવી શકે છે. જ્યારે બીજી રીત આઈપીઓ ઓફર ફોલ સેલ હોઈ શકે છે અને તેમાં શેરહોલ્ડર્સ તેમનો હિસ્સો રિલાયન્સ જિયોને વેચી શકે છે.

રિલાયન્સ જિયોના આઈપીઓ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનો આઈપીઓ પણ આવી શકે છે. જોકે રિલાયન્સ રિટેલનો આઈપીઓ રિલાયન્સ જિયો સાથે નહીં પરંતુ તે પછી આવી શકે છે. રિલાયન્સ રિટેલના કેટલાક ઓપરેશનલ મુદ્દાનો ઉકેલ આવ્યા બાદ આઈપીઓ ભારતીય બજારમાં આવશે.

Back to top button