નવી દિલ્હી: એક તરફ મોટાભાગના રોકાણકારો બેંકોમાં ફિક્સ ડિપોઝીટ્સ રાખવાનું ટાળી રહ્યા છે તો બીજી તરફ વધુ રિટર્ન મેળવવા માટે લોકો ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સેગમેન્ટમાં જંગી રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી યોગદાન ઓગસ્ટમાં સતત બીજા મહિને રૂ. ૨૩ હજાર કરોડને વટાવી ગયું છે.
ઓગસ્ટમાં રોકાણકારોએ તેમાં રૂ. ૨૩,૫૪૭ કરોડનું રોકાણ કર્યું હતું, જે જુલાઈમાં રૂ.૨૩,૩૩૨ કરોડની તુલનાએ વધ્યું છે. ઇક્વિટી માર્કેટમાં મિશ્ર ટ્રેન્ડ તેમજ વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા જીઓ પોલિટીકલ ઇશ્યુ વચ્ચે પણ રોકાણકારોને ઇક્વિટી સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પ્રત્યે આકર્ષણ વધ્યું છે.
કંપનીઓ દ્વારા આવી રહેલા નવા ફંડ ઓફરમાં પણ રોકાણ પ્રવાહ ઝડપી વધી રહ્યો છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ૩ ટકા વધીને રૂ. ૩૮,૨૩૯ કરોડ થયું હતું જે જુલાઈમાં રૂ. ૩૭,૧૧૩ કરોડ હતું. તે જ સમયે, સેક્ટોરલ અથવા તો થિમેટિક ફંડ્સમાં રોકાણ એક ટકા ઘટીને રૂ.૧૮,૧૧૭ કરોડ થયું છે.
આ સિવાય ઓગસ્ટમાં ઊકજજ અને ફોકસ્ડ ફંડ્સ સિવાય તમામ કેટેગરીમાં રોકાણ જળવાઇ રહ્યું હતું જ્યારે ઊકજજ ફંડ્સ અને ફોકસ્ડ ફંડ્સમાંથી સતત પાંચમા મહિને આઉટફ્લો ચાલુ રહ્યો હતો. ઓવરનાઈટ ફંડ્સમાં સૌથી વધુ રોકાણ નોંધાયું હતું.
ઓગસ્ટમાં લિક્વિડ ફંડમાં રૂ.૧૫,૧૦૫ કરોડનું રોકાણ હતું, જ્યારે જુલાઈમાં રૂ. ૪,૪૫૧ કરોડનું રોકાણ હતું. તે જ સમયે, રોકાણકારો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી દૂર રહ્યાં છે. ઓગસ્ટમાં રૂ.૪૫,૧૬૯ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જે જુલાઈ કરતાં ૬૨ ટકા ઓછું છે.
જુલાઈમાં ૧.૧૯ લાખ કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. હાઇબ્રિડ ફંડમાં કુલ રોકાણ ૪૩ ટકા ઘટ્યું છે. ઓગસ્ટમાં ૧૦ હજાર કરોડ રૂપિયા હતું જે જુલાઈમાં ૧૭,૪૩૬ કરોડ રૂપિયાનું થયું. મ્યુચ્યુઅલ ફંડ સંચાલન હેઠળની અસક્યામતો વધીને ૬૭ લાખ કરોડ પહોંચી છે.
મ્યુચ્યુઅલ ફંડની કુલ અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ત્રણ ટકા વધીને રૂ. ૬૬.૭૦ લાખ કરોડ પહોંચી છે જે જુલાઈમાં રૂ. ૬૪.૬૯ લાખ કરોડ હતી.
ફંડ મેનેજરે હતું કે રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં એકસાથે રોકાણ કરવા માટે એનએફઓ પસંદગીનો માર્ગ છે કારણ કે તે નિશ્ર્ચિત સમયગાળા માટે રોકાણ કરવાની સુવિધા પૂરી પાડે છે.
ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધીને રૂ.૧૬૧૧ કરોડ નોંધાયું છે જે જુલાઈના રૂ.૧૩૩૭ કરોડથી વધુ છે.
આ વધારો આંશિક રીતે ઓગસ્ટ દરમિયાન સોનાના ભાવમાં થયેલા સુધારાને કારણે થયો હતો, જેણે રોકાણકારોમાં ખરીદીની પ્રવૃત્તિમાં વધારો કર્યો હતો. ફોલિયોની સંખ્યા ઓગસ્ટમાં ૨૦ કરોડને ક્રોસ કરી ગઈ છે જે જુલાઈમાં ૧૯.૮૪ કરોડ હતી.