ટીન સિવાયની ધાતુઓમાં પ્રત્યાઘાતી ઘટાડો
મુંબઈ: છેલ્લા બે સત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે વિવિધ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી અને સપ્તાહના અંતને કારણે કામકાજોનું પ્રમાણ પણ પાંખું રહેતાં કોપર અને બ્રાસની વેરાઈટીઓ, ઝિન્ક અને નિકલના ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩નો પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો, જ્યારે એકમાત્ર ટીનમાં સતત ત્રીજા સત્રમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ વધી આવ્યા હતા અને એલ્યુમિનિયમ તથા લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની જળવાઈ રહેલી આક્રમક લેવાલી ઉપરાંત ઍલૉય ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૫ના સુધારા સાથે રૂ. ૨૨૨૫ના મથાળે રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે છેલ્લા ત્રણ સત્રમાં ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. ૬૭ની તેજીનો ચમકારો આવી ગયો છે, જ્યારે આજે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલમાં છૂટાછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૭૨, રૂ. ૨૦૮ અને રૂ. ૧૯૨ના મથાળે ટકેલા રહ્યાં હતાં. જોકે, આજે ઉપરોક્ત સિવાયની અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૪૭૭ અને રૂ. ૧૭૨૫, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૭૨૦, રૂ. ૭૧૧, રૂ. ૬૫૫, રૂ. ૫૦૮, રૂ. ૭૫૭ અને રૂ. ૨૨૫ના મથાળે અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૬૯૬ના મથાળે રહ્યા હતા.