આરબીઆઈની પૉલિસીની જાહેરાત પશ્ચાત્‌‍ ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ઐતિહાસિક તળિયેથી પાછો ફર્યો | મુંબઈ સમાચાર
વેપાર

આરબીઆઈની પૉલિસીની જાહેરાત પશ્ચાત્‌‍ ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ઐતિહાસિક તળિયેથી પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે ત્રણ દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે ભવિષ્યની નાણાનીતિ માટે તટસ્થ વલણ અપનાવીને વ્યાજદર યથાવત્‌‍ રાખવાની સાથે વર્તમાન નાણાકીય વર્ષ માટેના જીડીપીના અંદાજમાં વધારો તથા ફુગાવાના અંદાજમાં ઘટાડો કરવાની સાથે રૂપિયામાં સ્થિરતા લાવવા માટે નિકાસકારોને ટેકો આપતાં પગલાંની જાહેરાત કરી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 15 પૈસા મજબૂત થયા બાદ અંતે નવ પૈસાના સુધારા સાથે 88.71ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.80ના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે 88.79ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.79 અને ઉપરમાં 88.65ની રેન્જમાં અથડાઈને અંતે 88.71ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 12 પૈસા તૂટીને ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

આ પણ વાંચો: રિઝર્વ બેન્ક દ્વારા આઇપીઓ ફાઇનાન્સિંગ ધોરણોમાં ફેરફાર

આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રિપો રેટ 5.5 ટકાના સ્તરે જાળવી રાખવાની સાથે વર્તમાન નાણાંકીય વર્ષ માટેનો જીડીપીનો અંદાજ વધારીને 6.50 ટકા અને ફુગાવાનો અંદાજ ઘટાડીને 2.6 ટકા રાખ્યો હોવાથી તેમ જ રિઝર્વ બૅન્કે રૂપિયામાં સ્થિરતા લાવવા નિકાસકારોને ટેકો આપતાં પગલાંઓની જાહેરાત કરતાં સુધારો જોવા મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કના નીતિવિષયક પગલાં અને ડૉલર ઈન્ડેક્સની નરમાઈને ધ્યાનમાં લેતા આગામી દિવસોમાં રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં 88.35થી 88.90ની રેન્જ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.02 ટકા ઘટીને 97.75 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.74 ટકા ઘટીને બેરલદીઠ 65.54 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 715.69 પૉઈન્ટનો અને 225.20 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને ટેકો મળ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2327.09 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button