રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે રૂપિયો 74 પૈસા ઊંચકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ, અમેરિકા-ભારત વચ્ચેની વેપાર વાટાઘાટો પ્રોત્સાહક રહે તેવા આશાવાદ અને ગત સપ્ટેમ્બર મહિનામાં દેશની નિકાસ 6.74 ટકા વધી હોવાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સંભવિતપણે રિઝર્વ બૅન્કે ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કર્યો હોવાથી આજે ડૉલર સામે રૂપિયો 88.81ના ઐતિહાસિક તળિયેથી 74 પૈસા ઊંચકાઈને 88.07ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં જોવા મળેલા ભાવઘટાડાનો પણ ટેકો મળ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.81ના બંધ સામે સુધારાના અન્ડરટોને 88.74ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ખૂલતી જ 88.74ની સપાટી અને ઉપરમાં 88 પૈસા સુધી મજબૂત થઈને 87.93ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 74 પૈસાના સુધારા સાથે 88.07ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 13 પૈસાના ઘટાડા સાથે 88.81ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
તાજેતરનાં વૈશ્વિક વિપરીત પરિબળો વચ્ચે પણ ગત સપ્ટેમ્બર મહિનામાં દેશની નિકાસ 6.74 ટકા વધીને 36.38 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે સોના, ચાંદી, ફર્ટિલાઈઝર અને ઈલેક્ટ્રોનિક્સની આયાત વધુ રહેતાં કુલ આયાત 16.6 ટકા વધીને 68.53 અબજ ડૉલરની સપાટીએ રહેતાં કુલ વેપાર ખાધ 32.1 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
જોકે, વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નિકાસ 3.02 ટકા વધીને 220.12 અબજ ડૉલર અને આયાત 4.53 ટકા વધીને 375.11 અબજ ડૉલરનાં સ્તરે રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
આપણ વાંચો: ફરી ડૉલર સામે રૂપિયો ગગડ્યોઃ જાણો ક્યા પહોંચ્યો
એકંદરે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ તથા નિકાસમાં વૃદ્ધિના પ્રોત્સાહક નિર્દેશો સાથે આજે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી દિવસોમાં ડૉલર સામે રૂપિયો 87.70થી 88.40 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.22 ટકા ઘટીને 98.82 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.19 ટકા ઘટીને બેરલદીઠ 62.27 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 575.45 પૉઈન્ટનો અને 178.05 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.