મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષ માટેના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 7.2 ટકા મૂક્યો હતો તે ઘટાડીને 6.6 ટકા અને ફુગાવાનો અંદાજ જે 4.5 ટકાનો મૂક્યો હતો તે વધારીને 4.8 ટકા કર્યો હોવાના અહેવાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પાંચ સત્રની તેજીને બ્રેક લાગી હતી અને બજાર બેતરફી સાંકડી વધઘટે અથડાઈ જતા સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 56.74 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 30.60 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1830.31 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી બૅન્ચમાર્ક વધુ દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1659.06 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી મોટો ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉના પાંચ સત્રમાં સેન્સેક્સમાં 2722.12 પૉઈન્ટનો અથવા તો 3.44 ટકાનો ઉછાળો નોંધાયો હતો. વધુમાં સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 1906.33 પૉઈન્ટ અથવા તો 2.38 ટકાનો અને નિફ્ટીમાં 546.7 પૉઈન્ટ અથવા તો 2.26 ટકાનો સુધારો નોંધાયો છે.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 81,765.86 પૉઈન્ટના બંધ સામે સુધારાના અન્ડરટોને 81,887.54ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 81,506.19 અને ઉપરમાં 81,925.91ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 56.74 પૉઈન્ટ અથવા તો 0.07 ટકા ઘટીને 81,709.12ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ આજે કુલ 4088 શૅરોમાં કામકાજ થયા હતા.
જેમાંથી 2399 શૅરના ભાવ વધીને, 1590 શૅરના ભાવ ઘટીને અને 99 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 233 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે, 13 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા, જ્યારે 410 શૅરમાં ઉપલી અને 191 શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી.
Also read: ચિંતાનો વિષયઃ એક તરફ જીડીપી પટકાયો, બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ પણ નબળો…
વધુમાં આજે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 24,708.40ના બંધ સામે 24,729.45ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 24,620.50થી 24,751.05ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 30.60 પૉઈન્ટ અથવા તો 0.12 ટકા ઘટીને 24,677.80ના મથાળે બંધ રહ્યો હતો. આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 18 શૅરના ભાવ વધીને અને 32 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. દરમિયાન આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠકના અંતે રિપોરેટ 6.5 ટકાની સપાટીએ યથાવત્ રાખ્યો હતો, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષ માટેના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 7.2 ટકા મૂક્યો હતો તે ઘટાડીને 6.6 ટકા અને ફુગાવાનો અંદાજ જે 4.5 ટકાનો મૂક્યો હતો. જોકે, આર્થિક વૃદ્ધિને ટેકો આપવા બૅન્કો માટેનો કેશ રિઝર્વ રેશિયો જે 4.50 ટકા હતો તે ઘટાડીને ચાર ટકા રાખ્યો હતો. જેથી બૅન્કોની ધિરાણ ક્ષમતામાં વધારો થાય.
એકંદરે છેલ્લાં પાંચ સત્રથી બજારમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ આજે રિઝર્વ બૅન્કની ધિરાણ નીતિમાં કોઈ આશ્ચર્ય જોવા નહીં મળતા રોકાણકારોએ નફો ગાંઠે બાંધતા તેજીએ થાક ખાધો હોવાનું મેહતા ઈક્વિટીઝનાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપ્સેએ જણાવતા ઉમેર્યું હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી શરૂ થઈ છે, પરંતુ તેમાં સાતત્યતા જળવાઈ રહેશે કે કેમ તેની અવઢવને કારણે પણ રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોય તેમ જણાય છે.
વધુમા જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કે આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે કેશ રિઝર્વ રેશિયો ઘટાડતા બૅન્કોની પ્રવાહિતામાં રૂ. 1.16 લાખ કરોડનો વધારો થશે. એકંદરે બજારે રિઝર્વ બૅન્કની પૉલિસીને મિશ્ર પ્રતિસાદ આપતા સાવચેતીનું વલણ જોવા મળ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 14 શૅરના ભાવ વધીને અને 16 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ટાટા મોટર્સમાં 3.05 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એક્સિસ બૅન્કમાં 1.61 ટકાનો, મારુતિ સુઝુકીમાં 1.23 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 0.93 ટકાનો, આઈટીસીમાં 0.79 ટકાનો અને ટાટા સ્ટીલમાં 0.78 ટકાનો સુધારો આવ્યો હતો.
જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 1.20 ટકાનો ઘટાડો અદાણી પોર્ટસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ભારતી એરટેલમાં 1.01 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 0.93 ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં 0.73 ટકાનો અને બજાજ ફિનસર્વ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 0.71 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે બીએસઈ ખાતે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 0.60 ટકાનો અને 0.36 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
Also read: રેપો રેટ યથાવત, ઓટો અને પર્સનલ લોનના EMIમાં કોઈ રાહત નહીં, RBIની જાહેરાત
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મેટલ ઈન્ડેક્સમાં 1.17 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.16 ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં 1.05 ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં 0.92 ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં 0.55 ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે તેની સામે ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં 0.33 ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં 0.08 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 0.07 ટકાનો અને એનર્જી ઈન્ડેક્સમાં 0.02 ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે એશિયાના અન્ય બજારોમાં સિઉલ અને ટોકિયોની બજાર નરમાઈ સાથે બંધ રહી હતી, જ્યારે શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી અને યુરોપના બજારમાં મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.46 ટકા ઘટીને બેરલદીઠ 71.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.