વેપાર

ઈન્ડિયન જ્યૂટ મિલ્સ એસોસિયેશનની રૉ જ્યૂટ પરના સ્ટોક પ્રતિબંધની ભલામણ સામે બેલર્સ એસોસિયેશનનો વિરોધ…

કોલકાતાઃ રૉ જ્યૂટ અથવા તો કાચા શણના સ્ટોક હોલ્ડિંગ પર પ્રતિબંધ મૂકવાની ઈન્ડિયન જ્યૂટ મિલ્સ એસોસિયેશન દ્વારા ભલામણ કરવામાં આવી છે, પરંતુ જ્યૂટ બેલર્સ એસોસિયેશને ટેક્સ્ટાઈલ મંત્રાલય સમક્ષ તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાંથી સ્થાનિકમાં પુરવઠો ખોરવાશે અને ખેડૂતોના હિત પણ જોખમાશે.

જ્યૂટ બેલર્સ એસોસિયેશને મંત્રાલયને પત્ર લખી ઈન્ડિયન જ્યૂટ મિલ્સ એસોસિયેશનની બેલર્સ અને વેપારીઓ દ્વારા કાચા ફાઈબરનો સ્ટોક રાખવા સામે પ્રતિબંધ મૂકવાની માગ કરતી દરખાસ્તનો વિરોધ કર્યો હતો.ઈન્ડિયન જ્યૂટ મિલ્સ એસોસિયેશને કાચા માલના ભાવમાં થયેલા અકલ્પનીય વધારાને કારણે મિલોએ ઉત્પાદન કાપ મૂકવાની નોબત આવવાની સાથે શટડાઉન અને રોજગાર હાનીનો પણ ભય તોળાઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકારને રૉ જ્યૂટના ખાનગી ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. તેમ જ બાંગ્લાદેશ ખાતે જ્યૂટ સીડની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાનો અનુરોધ કર્યો છે.

નોંધનીય બાબત એ છે કે ગત રવિવારે કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન ગિરિરાજ સિંઘ કોલકાતા ખાતેની બેઠકમાં ઉપસ્થિત હતા તે સમયે ઈન્ડિયન જ્યૂટ મિલ્સ એસોસિયેશને આ મુદ્દો ઉખેળ્યો હતો.સામાન્યપણે ખેડૂતો પાસેથી રૉ જ્યૂટીની પ્રાપ્તિમાં, ગે્રડિંગમાં અને તેના સ્ટોરેજમાં બેલર્સોની ભૂમિકા મહત્ત્વની હોય છે જેથી મિલર્સોને વર્ષભર સ્થિર પુરવઠા ઉપલબ્ધિની બાંયધરી મળતી હોય છે.

જો સ્ટોકહોલ્ડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આ સમગ્ર યંત્રણા પર માઠી અસર પડશે અને બજારમાં નિવારી શકાય તેવી ચંચળતા સર્જાશે, એમ એસોસિયેશને દલીલ કરવાની સાથે ટેક્સ્ટાઈલ મંત્રાલયને જ્યૂટ મિલર્સ એસોસિયેશનની ભલામણ ન સ્વીકારવાનો અનુરોધ કર્યો હતો અને આ બાબતે કોઈપણ નિર્ણય લેતા પૂર્વે તમામ હિસ્સેધારકો સાથે સલાહમસલત કરવાનું જણાવ્યું હતું.

પત્રમાં જણાવ્યાનુસાર બેલર્સ પાસે સ્ટોક મર્યાદિત કરવાથી ખૂલતી મસોમ દરમિયાન ખેડૂત દ્વારા વેચાણમાં મુશ્કેલી પડી શકે અને કાચા માલનું નિયંત્રણ મિલોના હાથમાં કેન્દ્રિત થઈ શકે છે. એસોસિયેશને વધુમાં જણાવ્યું હતું કે બેલર્સ દ્વારા થતા સ્ટોકહોલ્ડિંગ ભાવને સ્થિર રાખવા મદદરૂપ થવાની સાથે ઉદ્યોગને ગુણવત્તાયુક્ત શણની અવિરત ઉપલબ્ધિતા સુનિશ્ચિત થતી હોય છે.

તેમ જ અચાનક કોઈપણ નિયમનકારી ફેરફારથી જ્યૂટની તમામ વૅલ્યૂ ચેઈન પર વ્યાપક અસરો પડી શકે છે, જેમાં ખેડૂતો, વેપારીઓ અને સમયસર કાચા માલના પુરવઠા પર આધાર રાખતા ડાઉનસ્ટ્રીમ એકમોનો સમાવેશ થતો હોવાનું એસોસિયેશને ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button