વેપાર

ચીનમાં વ્યાપી રહેલો બેહદ ભ્રષ્ટાચાર

લાંચ રૂશ્વતમાં ઉદ્યોગપતિ અને રાજકારણીઓની સાઠગાંઠ

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

બીજા વિશ્ર્વયુદ્ધ પછી દુનિયા ૧૯૯૦ સુધીમાં બે ભાગોમાં વહેચાઇ ગયેલી હતી એક હતી લોકશાહી દેશો અથવા અમેરિકાની શેહમાં રહેતા દેશોની સરકારો અને બીજી સામ્યવાદી દેશોની સરકારો. આ સમય દરમિયાન મૂડીવાદની અને લોકશાહી દેશોમાં રહેતા લોકોમાં એવી માન્યતા હતી કે સામ્યવાદી દેશની સરકારોમાં પ્રજા સુખી છે કારણ કે સામ્યવાદી સરકારો સખ્ત હોવાથી એ દેશોમાં ભ્રષ્ટાચાર શકય નથી. ૧૯૯૦માં સોવિયેટ યુનિયનનું પતન થયું અને રશિયા સહિત પૂર્વ યુરોપના દેશો સામ્યવાદની નાગચૂડમાંથી બહાર આવ્યા ત્યારે દુનિયાને ખબર પડી કે સામ્યવાદી દેશો તો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હતા. હવે તો વિશ્ર્વમાં માત્ર ચીન જ એક સામ્યવાદી સરકાર રહી છે.

ચીનમાં રિફોર્મ્સ : ૩૩ વર્ષ અને ૬ મહિના સુધી ચીનના સુપ્રીમો માઓત્સેતુંગના ૬ સપ્ટેમ્બર ૧૯૭૬ના નિધન બાદ ચીની નેતા ડેંગ ઝીઓપિંગ એટલા પાવરફૂલ હતા કે ના તો તે ચીની સરકારમાં પ્રધાન કે પ્રમુખ હતા, કે નહોતા સામ્યવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી (સામ્યવાદી પાર્ટીઓમાં પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સૌથી ઉચ્ચતમ ગણાય છે). તેમ છતાં તે એટલા પાવરફૂલ હતા કે ચીની શાસનકર્તાઓને ચીનના ઉથ્થાન માટે ઇકોનોમી ઓપનઅપ કરીને ચીનમાં ફાઇનાન્શિયલ રિફોર્મ્સ લાવ્યા. આ રિફોર્મ્સના કારણે વિદેશીઓને ચીનમાં વ્યાપાર ઉદ્યોગ કરવાની છૂટ આપવામાં આવી, તેની સાથોસાથ ચીની લોકોને પણ પ્રાઇવેટ વ્યાપાર અને ઉદ્યોગ કરવાની છૂટ આપવામાં આવી. શરૂઆતનાં વર્ષોમાં તો ચીની સરકાર સાથે સ્થાનિક લોકો અને વિદેશીઓ કાયદા પ્રમાણે કામ કરવા માટે પરવાનગી માગતા હતા અને સામ્યવાદી સરકારથી લોકો એટલા ડરતા હતા કે કોઇ સરકારી વિભાગમાં તેનું કામ જલ્દી પતાવવા લાંચ આપવાની હિંમત નહોતા કરતા હતા પણ જેમ જેમ ચીનમાં ડૉલર્સનો ફલો આવતો ગયો તેમ સરકારી બાબુઓ અને મિનિસ્ટરો સામેથી લાંચ માગવા લાગ્યા અને આ બદી કેટલી હદે વ્યાપી ગઇ છે તે જ્યારે ૨૨ જુલાઇ ૨૦૧૧ ચીનના મહાન ઉદ્યોગપતિ લઇ ચેન્જિંગ કેનેડિયન સરકારે એક્સ્ટ્રિડીટ કર્યો ત્યારે વિશ્ર્વને ખ્યાલ આવ્યો કે ચીનમાં રાજકારણીઓ અને ધંધાદારીઓ વચ્ચે ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપેલો છે.

લાઇ ચેન્જિંગ: પોસ્ટ રિફોર્મ્સનો ચીનનો રાજકીય ચહેરો જોવો હોય તો લાઇ ચેન્જિંગ તેનું દર્પણ છે. ૧૯૫૮માં ચીનના એક પ્રાંતમાં ચીની પિતાનાં ૮ સંતાનોમાંના એક એટલે લાઇ ચેન્જિંગ ચીનના ૧૯૫૮થી ૧૯૬૧ના મહાદુકાળમાં ઊગરી ગયેલા અને ચીનમાં ૧૯૬૦માં આવેલા કલ્ચરલ રિવોલ્યુશનના કારણે માત્ર એક ચોપડી ભણેલા લાઇને કોઇ ઑફિસમાં તો કામ મળી ના શકે તેથી કારર્કિદીની શરૂઆત એક ફેકટરીમાં કારીગર તરીકે કરી પણ ફેકટરી થોડા સમય બાદ બંધ થઇ જતા મજબૂરીમાં મોટરકારના સાવ સાદા પાર્ટસ બનાવવાની ફેકટરી નાખી, મહેનત અને નસીબનો સાથ મળતા આ કાર પાર્ટસની ફેકટરી એટલી બધી ચાલી ગઇ કે થોડા સમયમાં તો લાઇ ચીનના વિદેશીકારોનો મોટો આયાતકાર થઇ ગયો.

૯૦ના દાયકામાં ટીવીના પ્રોગ્રામોનું જોરદાર પદાર્પણ થતા ઇમ્પોર્ટ ફ્રી ટીવીમાં તેણે કરોડોની કમાણી કરી. ૧૯૯૪મા ફૈરવેલ ગ્રૂપ કે જે યુંઆહુઆ ગ્રૂપ તરીકે વિખ્યાત થયું તેની સ્થાપના કરી આ સમયે ચીનમાં ઝીઆંમેન પ્રાંતને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો દરજજો આપવામાં આવ્યો તેના કારણે તેને ડયૂટી ફ્રી આયાતનો પરવાનો મળી ગયો અને લાઇએ મોટા પાયે મોટરકારો, સિગારેટ, ઓઇલ વગેરેની દાણચોરી કરી મોટુ બિઝનેસ એમ્પાયર ઊભી કરી દીધું. પૈસો આવતા રોકાણના નવા ક્ષેત્રો ખુલવા લાગ્યા અને હોટેલ્સ અને રિયલ એસ્ટેટમાં રોકાણ થવા લાગ્યું. ૧૯૯૦ના સમયમાં ઝીઆંમેન ફ્રી ટ્રેડ ઝોનમાં ખાસ કંઇ કાયદાકાનૂન જેવું ના હોય લાઇએ તેના તમામ ધંધાદારી હરીફ કરતાં ઊંચુ ૮૮ માળનું યુઆંહુઆ ટાવર બનાવ્યું. ઉદ્ઘાટન સમારોહમાં વિશ્ર્વના ૨૦૦૦ જેટલા પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ આપીને બોલાવ્યા અને દરેકને ફાઇવ સ્ટાર હોટેલોમાં ઉતારો આપી ૩૦૦૦ યુંઆ (ચાઇનીઝ કરન્સી)નો ચાંદલો
આપ્યો.

લાઇએ ચીની ઓફિસરોએ વિશ્ર્વાસમાં લઇને મોટી લાંચ આપીને સ્મગ્લિંગનું મોટું રેકેટ ચલાવ્યું અને ૧૦ બિલિયન ડૉલર્સ જેટલી રકમની દાણચોરી લકઝરી કાર અને મોટા મોટા ફુલ ઓઇલ ટેંકરો આયાત કરીને લગભગ સાડાત્રણ બિલિયન ડૉલર્સના ટેક્સની ચોરી કરી. આ દાણચોરીમાં ચીની મિલિટરી માટે આયાત કરાયેલા ‘સિલ્કવોર્મ મિસાઇલ્સ’ પણ સામિલ હતા. લાઇએ ઝીઆંમન એરપોર્ટના જંગી એરપોર્ટનું ફંડિંગ પણ કરેલું તેનાથી અંજાઇને ૧૯૯૭માં તેને ઓનરરી સિટિઝનનું માન પણ આપવામાં આવેલું હતું.

ચીની સરકારી ઑફિસરોને એન્ટરટેઇન કરવા માટે તેણે રેડ મેન્શન નામનું ૭ માળનું બિલ્ડિંગ પણ બનાવ્યું. જેમાં લકઝરી રૂમો રાખીને લેડીઝ એસ્કોર્ટસ પ્રોવાઇડ કર્યાં.
બદલાતો સમય અને નસીબ :

એક વાત તો આપણે સૌ જાણીએ છીએ કે માણસ પૈસાથી બધું ખરીદી શકે છે પણ નસીબ નહીં. અને તેવું જ લાઇના કેસમાં પણ થયું. ૧૭ માર્ચ ૧૯૯૮માં લાંચ રુશ્વતના સખ્ત વિરોધી ઝુ રોંગજીએ ચીનના સત્તાનાં સૂત્રો સંભાળ્યા અને લાઇના વળતા પાણીની શરૂઆત થઇ. લાઇને ૧૨૫ મિલિયન ડૉલર્સનો દંડ ભરીને ક્લીન થવા માટે ઓફર આપવામાં આવી તેનો મતલબ કે ચીની સરકાર લાઇના કાળા કરતૂતોથી વાકેફ હતી પણ લાઇએ આ પ્રસ્તાવ ઠુકરાવીને જિંદગીની સૌથી મોટી ભૂલ કરી.

તકલીફોની હારમાળા: ચીનની નવી સરકારની લાઇ ઉપર ભીસ વધવા લાગી અને તેથી લાઇએ હોંગકોંગમાં સ્થળાંતર કર્યું પણ હોંગકોંગના સત્તાવાળાઓને પણ લાગ્યું કે લાઇની હાજરી હોંગકોંગ માટે નવી તકલીફો ઊભી કરશે તેથી તેને હોંગકોંગ છોડી દેવાનું જણાવવામાં આવ્યું. ઑગસ્ટ ૧૯૯૯માં લાંચ રુશ્વતથી લાઇએ એચકેસાર પાસપોર્ટ કે જેના ઉપર ચીની નાગરિક ૧૪૩ દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે. તે મેળવીને લાઇ તેની પત્ની સાથે કેનેડા સ્થળાંતર કરી ગયા અને ત્યાં પણ મોટું મેન્શન અને લકઝરી ગાડીઓ લઇને રાજાશાહીથી રહેવાનું શરૂ કરી દીધું. આ બાજુ ચીની સરકાર તેને ચીનમાં પાછો લાવીને ફોજદારી કેસો ચલાવવાની તૈયારી કરવા લાગી. ૧૯૯૯માં નાયગ્રા ફોલ્સ કેસીનોમાં સતત ૨૮ દિવસના તેના વસવાટ દરમિયાન ૩ મિલિયન ડૉલર્સની ચીપ્સ લઇને તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે કેનેડિયન પોલીસને શક જતા મની લોન્ડ્રિંગના કેસમાં તેને એરેસ્ટ કર્યો.કેનેડિયન સરકારે ચીનના સત્તાવાળાઓને જણાવ્યુ કે તેમની ઇન્કવાયરી મુજબ લાઇ પાસે કંઇ ખોટું ફોર્ચ્યુન નથી અને તેથી તેને ૨૦૦૯માં વર્ક પરમિટ ઇસ્યુ કરવામાં આવી.

લાઇનું કેનેડા જવાનું કારણ એ હતું કે કેનેડામાં કેપિટલ પનિશમેન્ટ નથી મતલબ કે ગુનેગારને મોતની સજા ના થઇ શકે તેટલું જ નહીં કેનેડિયન સરકાર જે કોઇ બહારના દેશના ગુનેગારો કેનેડા ભાગીને આવે છે અને જો તે દેશમાં કેપિટલ પનિશમેન્ટ હોય તો તેને તે સોંપતા નથી. આ વાતની લાઇને ખબર જ હતી અને તેથી તેણે કેનેડાની પસંદગી કરેલી કારણકે ચીનમાં કેપિટલ પનિશમેન્ટ છે.

લાઇને ચીન પાછો લાવવા માટે ચીની સરકારે કેનેડિયન ગવર્નમેન્ટને ખાત્રી આપીને લાઇને ચીન પાછા લાવવાના પ્રયત્નો શરૂ કર્યા અને ૨૨ જુલાઇ ૨૦૧૧ના ચીનના સૌથ મોટા વ્હાઇટ કોલર ગુનેગાર લાઇ ચેન્જિંગને કેનેડિયન સરકારે સુપ્રત કર્યા. આમ લાઇની જિંદગીનું સર્કલ જે એક ફેકટરીમાં કારીગર તરીકે શરૂ થયેલું તે અબજો રૂપિયાના માલિક થઇને જેલના સળિયા પાછળ બંધ થઇ ગયું.લાઇ ચેન્જિંગે દુનિયાને કરી બતાવ્યું કે ધંધામાં અને જીવનમાં સફળ થવા માટે હંમેશાં ધનાઢય માતા-પિતા અને મોટી ડિગ્રીઓને જરૂર નથી પણ જરૂર છે માત્ર સૂઝબૂઝની પણ સાથોસાથ એ સનાતન સત્ય પણ સિદ્ધ કરી બતાવ્યું કે લોભને થોભ નથી એ અહીંનું કર્યું અહીં જ ભોગવવાનું હોય છે. જેમ કે આપણે સોના અને સ્ટીમ બાથમાં જયાં સુધી લિમિટમાં બેસીએ ત્યાં સુધી તે શરીરને તાજગી આપી થકાવટ દૂર કરે છે. પણ જો તેમાં વધારે સમય બેસીએ તો સ્કીન બાળીને પીડા આપે છે. લાઇએ સોના અને સ્ટીમને તેના ઘર બનાવી તેમાં વધારે સમય પાસ કર્યો તેથી તેના ફળ તેણે ભોગવવા પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker