વેપારશેર બજાર

કાળી ચૌદશે શૅરબજારમાં અંધારું: બેન્ક અને ફાઇનાન્સ સ્ટોક્સની વેચવાલીએ સેન્સેક્સને ૮૦,૦૦૦ની નીચે ધકેલ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણો વચ્ચે બેન્કિંગ અને નાણાકીય શેરોમાં જોરદાર વેચવાલીનું દબાણ રહેતા બુધવારે કાળી ચૌદશના દિવસે શેરબજારની આગેકૂચ અંધકારમાં ઓગળી ગઇ હતી. સેન્સેક્સે ૮૦,૦૦૦ પોઇન્ટની સપાટી ગુમાવી હતી જ્યારે નિફ્ટી ફરી ૨૪,૩૫૦ની અંદર ઉતરી ગયો હતો. કોર્પોરેટ ક્ષેત્રે નબળા કમાણીના આંકડા અને વિદેશી ફંડના એકધારા આઉટફ્લોએ બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક અસર કરી હોવાનું બજારના સાધનોએે જણાવ્યું હતું. સેન્સેક્સ ૪૨૬.૮૫ પોઈન્ટ અથવા ૦.૫૩ ટકા ઘટીને ૭૯,૯૪૨.૧૮ પર સેટલ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૨૬ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકા ઘટીને ૨૪,૩૪૦.૮૫ પર આવી ગયો હતો. ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચસીએલ ટેક્નોલોજીસ, એક્સિસ બેંક, એનટીપીસી અને એચડીએફસી બેંક ટોપ લુઝર રહ્યાં હતાં. તેનાથી વિપરીત, મારુતિ, ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ બજારના વ્યાપક વલણોને નકારી સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા હતા.

સ્વીગી રૂ. ૧૧,૩૨૭.૪૩ કરોડના આઇપીઓ સાથે છઠી નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની ૪૪૯૯ કરોડના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. ૬૮૨૮.૪૩ કરોડની ઓફર ફોર સેલ સાથે ભરણું લાવી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૭૧ થી રૂ. ૩૯૦ પ્રતિ શેર છે. બિડ લોટ ૩૮ શેરનો છે અને ભરણું આઠમી નવેમ્બરે બંધ થશે.

મારુતિ સુઝુકીનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૧૮ ટકા ઘટીને રૂ. ૩,૧૦૨ કરોડ અને આવક ૩૭,૪૪૯ કરોડ નોંધાઇ હતી. ફેડરલ બેન્કનો નફો ૧૧ ટકા વધ્યો હતો. એલજી ઇલેક્ટટ્રોનિકનો નફો ૧૨.૩ ટકા અને રેવેન્યુ ૭.૫ ટકા વધી હતી. કેનેરા બેન્કનો નફો ૧૧ ટકા વધ્યો હતો. ગોદાવરી બાયોરિફાઇનરી ૧૨ ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો હતો. સેગીલીટી ઇન્ડિયા રૂ. ૨,૧૦૬.૬૦ કરોડના બુક બિલ્ટ ઇશ્યુ સાથે પાંચમી નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ૭૦.૨૨ કરોડ શેરની ઓફર ફોર સેલ છે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. ૨૮થી રૂ. ૩૦ નક્કી કરવામાં આવી છે અને ભરણું સાતમી નવેમ્બરે બંધ થશે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૫૦૦ શેર છે.

નિફ્ટીના ટોચના લૂઝર્સમાં સિપ્લા, શ્રીરામ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ, ટ્રેન્ટ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સનો સમાવેશ હતો, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા ક્ધઝ્યુમર, હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને મારુતિ સુઝુકીનો ટોપ ગેઇનર સ્ટોક્સમાં સમાવેશ હતો. સેક્ટોરલ મોરચે, એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને મીડિયા ૦.૫-૨ ટકા વધ્યા હતા, જ્યારે બેન્ક, ફાર્મા, આઇટી દરેક એક ટકા ઘટ્યા હતા.
બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ વધઘટે સ્થિર મથાળે બંધ રહ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫ ટકા વધ્યો હતો. અમી ઓર્ગેનિક્સ, અરવિંદ સ્માર્ટસ્પેસ, બોરોસિલ, સિટી યુનિયન બેંક, કોફોર્જ, ક્રિસિલ, દીપક ફર્ટિલાઇઝર્સ, જિલેટ ઇન્ડિયા, ઇન્ડિગો પેઇન્ટ્સ, જગસનપાલ ફાર્મા, કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ, પોલી મેડિક્યોર સહિત ૧૩૦ શેરોએ બીએસઇ પર તેમની બાવન સપ્તાહની ઉંચી સપાટીને સ્પર્શ કર્યો હતો. અગ્રણી માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફટીએ સત્રની શરૂઆત ૨૪,૩૭૦ પર નરમ ટોન સાથે કરી હતી; જો કે, વ્યાપક બજારોએ ઇન્ડેક્સને નીચલા સ્તરોથી રિકવર કરવામાં મદદ કરીને તેને ઉપરની દિશામાં આગળ વધવા મદદ કરી હતી, પરંતુ બેન્ચમાર્ક ઊંચા સ્તરે લાંબો સમય ટકી શક્યો નહીં અને સત્રના છેલ્લા ભાગમાં તમામ સુધારો ગુમાવીને ૧૨૬ પોઇન્ટના ઘટાડા સાથે ૨૪,૩૪૦.૮૫ની નીચે ઘુસી ગયો.

સેકટરલ ધોરણે, મીડિયા સેકટરે સૌથી વધુ લાભ મેળવ્યો હતો, ત્યારબાદ એફએમસીજીનો ક્રમ રહ્યો હતો. જ્યારે બેન્કનિફ્ટી અને ફાર્માએ સૌથી વધુ કરેક્શન નોંધાવ્યું હતું. મિડ અને સ્મોલકેપ્સ તેમના પ્રારંભિક સુધારો જાળવી રાખવામાં સફળ રહ્યા અને ફ્રન્ટલાઈન ઈન્ડેક્સને પાછળ રાખી દીધા. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) મંગળવારે મૂડીબજારમાં રૂ. ૫૪૮.૬૯ કરોડના શેરની ચોખ્ખી વેચવાલી કરી હતી. બજારના વિશ્ર્લેષકો અપેક્ષા સેવી રહ્યાં છે આગામી દિવસોમાં એફઆઇઆઇની વેચવાલી ધીમી પડવી જોઇએ. બજારના સાધનો અનુસાર ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ) અને રીટેલ ઇન્વેસ્ચર્સનો બજાર પર વિશ્ર્વાસ અકબંધ રહ્યો છે, પરંતુ એફઆઇઆઇની વેચવાલીનું દબાણ ઘટવું આવશ્યક છે. હાલ તહેવારોના મૂડને કારણે બજારને નજીકના ગાળામાં પ્રોત્સાહન મળી શકે છે. પરંતુ કોર્પોરેટ ક્ષેત્રની બીજા ક્વાર્ટરની કમાણીના નબળા આંકડાને જોતાં અપટ્રેન્ડ ટકી રહેવાની શક્યતા નથી. એશિયન બજારોમાં સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ નીચા સ્થિર થયા, જ્યારે ટોક્યિો સકારાત્મક ઝોનમાં બંધ થયું હતું. જ્યારે યુરોપિયન બજારો બપોરના સત્ર સુધી નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે અમેરિકન બજારોનો અંત મિશ્રિત નોંધ પર રહ્યો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૩ ટકા વધીને ૭૧.૫૭ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. મંગળવારે બીએસઇ બેન્ચમાર્ક ૩૬૩.૯૯ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકા વધીને ૮૦,૩૬૯.૦૩ પર સેટલ થયો હતો. નિફ્ટી ૧૨૭.૭૦ પોઈન્ટ અથવા ૦.૫૨ ટકા વધીને ૨૪,૪૬૬.૮૫ પર પહોંચ્યો હતો.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મારુતિ ૧.૯૨ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૮૧ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૬૯ ટકા, લાર્સ ૦.૭૭ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૪ ટકા, ટાઈટન ૦.૭૨ ટકા, આઈટીસી ૦.૭૨ ટકા, નેસ્લે ૦.૩૮ ટકા, રિલાયન્સ ૦.૩૭ ટકા અને હિંદુસ્તાન યુનિલીવર ૦.૨૩ ટકા, જ્યારે ઈન્ફોસિસ ૨.૦૧ ટકા, એચસીએલ ટેક ૧.૭૬ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૨ ટકા, કોટક બેન્ક ૧.૩૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૮ ટકા, સ્ટેટ બેન્ક ૧.૨૩ ટકા, એક્સિસ બેન્ક ૧.૧૩ ટકા, સન ફાર્મા ૦.૯૯ ટકા, એનટીપીસી ૦.૯૫ ટકા, એચડીએફસી બેન્ક ૦.૮૯ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૮૨ ટકા ઘટ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button