વેપાર

શુદ્ધ સોનું રૂ. ૫૪૩ ઝળકીને ₹ ૬૩,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૦૩૦ ચમકી

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ નોંધાતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમ જ આજે અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નવ સપ્તાહમાં પહેલી વખત સુધારો જોવા મળ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૧થી ૫૪૩નો ઉછાળો આવ્યો હતો અને ૯૯.૯ ટચ અથવા તો શુદ્ધ સોનાના ભાવ રૂ. ૬૩,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૩૦નો ચમકારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૩૦ના ચમકારા સાથે રૂ. ૭૧,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૭૧,૮૬૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૧ વધીને રૂ. ૬૨,૮૮૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪૩ વધીને રૂ. ૬૩,૧૪૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.

ગઈકાલે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકાનો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં ભાવ સાધારણ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૫૪.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૨૦૭૧.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત નહીં કરે, પરંતુ ત્યાર બાદ જરૂરથી કપાતની શરૂઆત કરે તેવો ટ્રેડરોમાં વિશ્ર્વાસ વધ્યો હોવાનું સિંગાપોર સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલનાં વિશ્ર્લેષક બ્રિઆન લાને જણાવતા ઉમેર્યું હતું કે ગઈકાલે અમેરિકાના શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા બેરોજગારીનાં આંકડામાં વધારો થયો હોવાનું જણાતા સોનાના સુધારાને ટેકો મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button