વેપાર અને વાણિજ્ય

શુદ્ધ સોનું ₹ ૬૪૦ ઉછળીને ₹ ૭૪,૦૦૦ની લગોલગ, ચાંદી ₹ ૪૫૯ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી કંપનીઓની પ્રવૃત્તિઓ મંદ પડી રહી હોવાનાં ફેડરલનાં સર્વેક્ષણનાં અહેવાલો તેમ જ ફુગાવામાં પીછેહઠ જોવા મળતાં ડિસઈન્ફ્લેશનની શક્યતા બળવત્તર બની રહી હોવાના ફેડરલનાં સભ્યો દ્વારા નિર્દેશોને પગલે આગામી સપ્ટેમ્બર મહિનાથી રેટ કટની શક્યતાઓ ઉજળી બની રહી હોવાના સંકેતો સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૪૮૩.૬૦ ડૉલરની નવી ઊંચી સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલનાં બંધ બાદ હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩૮થી ૬૪૦ વધી આવ્યા હતા અને શુદ્ધ સોનાના ભાવ મધ્યસત્ર દરમિયાન રૂ. ૭૪,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, પરંતુ સત્રના અંતે રૂ. ૬૪૦ના સુધારા સાથે રૂ. ૭૪,૦૦૦ની સપાટીની લગોલગ બંધ રહ્યા હતા. જોકે, ચાંદીમાં વધ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૪૫૯નો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની અને જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૫૯ના ઘટાડા સાથે રૂ. ૯૧,૫૫૫ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે પાંચ પૈસા ઘટીને બંધ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩૮ વધીને રૂ. ૭૩,૬૮૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૬૪૦ વધીને રૂ. ૭૩,૯૭૯ના મથાળે રહ્યા હતા. જોકે, આ તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ અત્યંત શુષ્ક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે લંડન ખાતે સત્રના આરંભે રેટ કટના આશાવાદ હેઠળ બન્ને કિંમતી ધાતુઓમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૪૬૪.૧૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૨૪૬૭.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૩૦.૫૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલના તબક્કે સોનાના ભાવ પર મુખ્યત્વે વ્યાજદરમાં કપાતનો આશાવાદ અને અમેરિકાની ચૂંટણીની અસર જોવા મળી રહી છે અર્થાત્ હાલમાં આર્થિક અને રાજકીયભૌગોલિક અનિશ્ર્ચિતતાનો સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું સ્પ્રોટ એસેટ મેનેજમેન્ટનાં વરિષ્ઠ પોર્ટફોલિયો મેનેજર રેયન મેકઈન્ટ્યારે જણાવતા ઉમેર્યું હતું કે ઓછા વ્યાજદરને કારણે સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોનું આકર્ષણ વધતું હોય છે. વધુમાં તેમણે આગામી દિવસોમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણકારોનાં આંતરપ્રવાહમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
વધુમાં ગઈકાલે ફેડરલનાં ગવર્નર ક્રિસ્ટોફર વૉલર અને ન્યૂ યોર્ક ફેડનાં પ્રમુખ જ્હોન વિલિયમ્સ બન્નેએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અખત્યાર કરે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. તે જ પ્રમાણે રિચમન્ડ ફેડનાં પ્રમુખ થોમસ બાર્કિને પણ ફુગાવામાં ઘટાડા અંગે પ્રોત્સાહક વલણ દાખવ્યું હતું. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ધારણા મૂકાઈ રહી છે.

એએનઝેડે એક નોટ્સમાં જણાવ્યું હતું કે જો ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પ વિજયી થશે તો તેઓ તેઓ વેરાના દરમાં કપાત અને આયાતી માલમાં ઊંચા ટેરિફ દર લાદશે તો સંભવત્ ફુગાવામાં વધારો થશે જે સોનાની તેજી માટે નકારાત્મક પુરવાર થઈ શકે છે, જ્યારે સિટીનાં વિશ્ર્લેષકોએ આગામી છથી ૧૨ મહિનામાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૭૦૦થી ૩૦૦૦ ડૉલર અને ચાંદીના ભાવ ઔંસદીઠ ૩૮ ડૉલર સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો