શુદ્ધ સોનાએ ₹ ૧૩૫૧ની તેજી સાથે ₹ ૭૩,૦૦૦ની સપાટી કુદાવી
વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની નજીક, બજારમાં સ્થિરતા લાવવા વિયેટનામ ગોલ્ડ બારનો પુરવઠો વધારશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત માર્ચ મહિનામાં અમેરિકામાં ફુગાવામાં વધારો થવાથી વ્યાજદરમાં વહેલી કપાતની શક્યતા ધૂંધળી બની હોવા છતાં મધ્યપૂર્વનાં દેશોમાં વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનામાં સલામતી માટેની માગ પ્રબળ બની હતી અને ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની નજીક પહોંચ્યા હતા.
તેમ જ ચાંદીના ભાવ પણ ઔંસદીઠ ૨૯ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. જોકે, બજારમાં સ્થિરતા લાવવા માટે વિયેટનામ સેન્ટ્રલ બૅન્ક બજારમાં ગોલ્ડ બારના પુરવઠામાં વધારો કરશે, એવા અહેવાલો વહેતા
થયા હતા.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪૬થી ૧૩૫૧ વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૭૩,૦૦૦ની સપાટી કુદાવી હતી. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૪૭૬ ઉછળીને રૂ. ૮૩,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો ૧૭ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધી આવતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪૬ વધીને રૂ. ૭૨,૮૮૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૫૧ વધીને રૂ. ૭૩,૧૭૪ના મથાળે પહોંચ્યા હતા. જોકે, આગઝરતી તેજીમાં રોકાણકારો, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ હતો અને રિટેલ સ્તરની માગ પણ તળિયે બેસી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તેમ જ આજે ચાંદીમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની માગ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૭૬ વધીને રૂ. ૮૩,૮૧૯ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની માગ શુષ્ક અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખફપૂરતી રહી હતી.
તાજેતરમાં મધ્યપૂર્વનાં દેશોમાં વધી રહેલા તણાવને કારણે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની વધેલી માગ ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે હાજરમાં એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ ૨૩૯૮.૪૯ ડૉલર સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે વધુ ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૨૩૯૫.૫૬ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૧.૮ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૪૧૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે બે ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૯.૦૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલા યુદ્ધના માહોલને કારણે હાલ રોકાણકારોની સોનામાં સલામતી માટેની લેવાલી પ્રબળ રહે છે અને સાથે સાથે કેન્દ્રવર્તી બૅન્કોની નીકળેલી લેવાલી તેજીને પ્રેરકબળ પૂરુ પાડી રહી હોવાનું એસીવાય સિક્યોરિટીઝના એનાલિસ્ટ લ્યુકા સેન્ટોસે જણાવ્યું હતું.
વધુમાં સિલ્વર બુલિયન ડીલર વિન્સન્ટ ટાઈએ જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સોનાએ ૪૨ મહિનાનો કોન્સોલિડેશનનો તબક્કો પસાર કર્યો હોવાથી આગામી બે મહિના સુધી ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહે તેવી
શક્યતા છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરવાનો અણસાર આપ્યો હતો.