શુદ્ધ સોનું ₹ ૩૭૮ની તેજી સાથે ₹ ૭૬,૦૦૦ની પાર, ચાંદી ₹ ૬૩વધી
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ યથાવત્ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. વધુમાં ગત સપ્તાહના અંતે ચીને વધુ સ્ટિમ્યુલસ પેકેજના સંકેતો આપ્યા હોવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ગત શુક્રવારના વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો આવ્યો હતો, જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૭થી ૩૭૮ વધી આવ્યા હતા અને શુદ્ધ સોનાએ રૂ. ૭૬,૦૦૦ની સપાટી કુદાવી હતી, જ્યારે ચાંદીમાં રૂ. ૬૩નો સાધારણ સુધારો આવ્યો હતો. આજે સપ્તાહના આરંભે દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૩ના સુધારા સાથે રૂ. ૯૦,૦૨૬ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૭ વધીને રૂ. ૭૫,૬૯૭ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૭૮ વધીને રૂ. ૭૬,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૭૬,૦૦૧ના મથાળે રહ્યા હતા.