શુદ્ધ સોનાએ રૂ. ૧૭૨ના સુધારા સાથે ફરી રૂ. ૫૮,૦૦૦ની સપાટી પાર કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ મહિનાના અંતે યોજાનાર અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં હળવું વલણ અપનાવવામાં આવે તેવા આશાવાદે આજે લંડન ખાતે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સુધારો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૨ની આગેકૂચ જોવા મળી હતી અને શુદ્ધ સોનાના ભાવે ફરી રૂ. ૫૮,૦૦૦ની સપાટી પાર કરી હતી. તેમ જ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૨૭ની આગેકૂચ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૨ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૮૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૦૩૨ના મથાળે રહ્યા હતા. જોકે, પ્રવર્તમાન શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગ એકંદરે નિરસ રહી હતી. વધુમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૮,૦૩૨ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૮૭૯.૨૫ ડૉલર અને ૧૮૯૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૪ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૨.૧૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની ગત સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં અર્થતંત્રમાં અનિશ્ચિતતાની ચિંતા વ્યક્ત કરવાની સાથે સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હતો. વધુમાં હવે માત્ર ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવશે જે અપેક્ષિત જ હોવાથી તેની બજાર પર ખાસ અસર જોવા નહીં મળે, એમ સિંગાપોર સ્થિત ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલનાં મૅનૅજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પર સ્થિર થઈ છે.