રૂપિયો મજબૂત થતાં શુદ્ધ સોનું ₹ ૭૨,૦૦૦ની સપાટી કુદાવી પાછું ફર્યું, અંતે ₹ નવનો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આજે મોડી સાંજે થનારી જાહેરાત ઉપરાંત માર્ચ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ રૂ. ૨૩૬૫.૦૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યાના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૫થી ૨૧૬નો સુધારો આગળ ધપ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૭૨,૦૦૦ની સપાટી પાર કરી હતી, પરંતુ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારનાં નિરુત્સાહી અહેવાલે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. નવનો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૪૩ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં ખાસ કરીને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૮ વધીને રૂ. ૮૨,૪૬૮ના મથાળે રહ્યા બાદ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સત્રના અંતે ભાવ કિલોદીઠ રૂ. ૨૪૩ના સુધારા સાથે રૂ. ૮૨,૩૪૩ના મથાળે રહ્યા હતા. જોકે આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીનો અભાવ રહ્યો હતો.
વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. તેમ જ મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૫ વધીને રૂ. ૭૧,૭૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૧૬ વધીને રૂ. ૭૨,૦૪૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે વિશ્ર્વ બજારમાં આરંભિક તબક્કે ભાવમાં ટકેલું વલણ રહ્યા બાદ ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ રૂપિયામાં મજબૂત વલણ રહેતાં સત્રના અંતે સોનાના ભાવ ગઈકાલના બંધ સામે નવ પૈસાના ઘટાડા સાથે ૯૯.૫ ટચ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના અનુક્રમે રૂ. ૭૧,૫૩૫ અને રૂ. ૭૧,૮૨૩ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ અત્યંત પાંખી રહી હતી. તેમ જ જૂના સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ અને રિસાઈકલિંગનું પ્રમાણ વધ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ તથા માર્ચ મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત થવાની હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૪૭.૨૫ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ૨૩૬૬.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૦૫ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા.
તાજેતરમાં સોનામાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ ઉપરાંત કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી તેમ જ ક્રૂડતેલના વધેલા ભાવથી ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું એએનઝેડ કૉમૉડિટીનાં સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું. જોકે, તેમણે આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદી કરતાં સોનામાં ઝડપી સુધારો આવ્યો હોવાથી આગામી સમયગાળામાં ચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.
જો આજે જાહેર થનારા માર્ચ મહિનાના ફુગાવામાં વધારો જોવા મળશે તો ફેડરલ દ્વારા વ્યાજદરમાં જૂન મહિનાથી કપાતની શક્યતા નબળી પડતાં સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી શકે છે, એમ રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક જીગર ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે ઊંચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં માગ નબળી પડતી હોય છે. જોકે રૉઈટર્સનાં સર્વેક્ષણ અનુસાર અમેરિકામાં માર્ચ મહિનાનો ફુગાવો વર્ષાનુવર્ષ ધોરણે વધીને ૩.૪ ટકા આસપાસની સપાટીએ રહેવાની ધારણા છે, જ્યારે કોર સીપીઆઈ ૩.૭ ટકા આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.