શુદ્ધ સોનું ₹ ૯૨૪ ઘટીને ₹ ૬૯,૦૦૦ની અંદર અને ચાંદી ₹ ૩૩૮૮ ગબડી
વૈશ્ર્વિક સોનાચાંદીમાં નફારૂપી વેચવાલી પાછળ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઊંચા મથાળેથી રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં એક ટકાનો અને ચાંદીના ભાવમાં ૩.૭ ટકા જેટલો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૩૮૮ના કડાકા સાથે રૂ. ૮૨,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨૦થી ૯૨૪નો ઘટાડો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૬૯,૦૦૦ની સપાટી
ગુમાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના ભારે દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૩૮૮ના કડાકા સાથે રૂ. ૮૧,૪૭૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઘટતી બજારનાં માહોલમા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨૦ ઘટીને રૂ. ૬૭,૯૫૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૯૨૪ ઘટીને રૂ. ૬૮,૨૨૭ના મથાળે રહ્યા હતા.