વેપાર અને વાણિજ્ય

શુદ્ધ સોનું ₹ ૨૮૨ ઘટીને ₹ ૬૧,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૧૧૮૬ ગબડી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમને કારણે હાજરમાં સોનાના ભાવમાં નરમાઈતરફી વલણ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ૦.૭ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહ્યું હતું, જેમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૧૮૬ ગબડીને રૂ. ૭૩,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૧થી ૨૮૨નો ઘટાડો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૬૧,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચાવલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૮૬ના ઘટાડા સાથે રૂ. ૭૨,૫૬૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૧ ઘટીને રૂ. ૬૦,૬૪૪ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૮૨ ઘટીને રૂ. ૬૦,૮૮૮ના મથાળે રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે તેવા ગત સપ્તાહના અણસારોને ધ્યાનમાં લેતાં હવે રોકાણકારોની નજર સપ્તાહના અંત આસપાસ જાહેર થનારી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં વ્યાજદરમાં ક્યારથી અને કેટલી આક્રમકતાથી કપાતની શરૂઆત કરવામાં આવશે તેના અણસાર પર સ્થિર થઈ હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૭૬થી ૧૯૯૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા રૉઈટર્સનાં વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૩ ટકા ઘટીને અઢી મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવા છતાં આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૭૭.૩૦ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા ઘટીને ૧૯૭૯.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે વાયદામાં સટ્ટોડિયાઓએ લેણ પણ કાપ્યા હોવાના નિર્દેશો હતા. તેમ જ ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત શુક્રવારના રોજ વિશ્ર્વના સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ ૧.૪૯ ટકા વધીને ૮૮૩.૪૩ ટનની સપાટીએ રહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button