વેપાર

ચોક્કસ ધાતુઓમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને નિકલ, લીડ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ, કોપર અને બ્રાસમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ખપપૂરતી માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૨ની પીછેહઠ જોવા મળી હતી, જ્યારે ટીન અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ અને રૂ. બે વધી આવ્યા હતા અને એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૨૨ ઘટીને રૂ. ૧૫૨૦, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. ૮૮૪, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. છ ઘટીને રૂ. ૫૭૫, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૫૩૦, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને રૂ. ૮૦૦, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૮૨૪, રૂ. ૮૧૫, રૂ. ૭૫૩ અને રૂ. ૧૯૧ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૨૮૯ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે ટીનમાં સતત ત્રીજા સત્રમાં સ્ટોકિસ્ટોની અને વપરાશકાર ઉદ્યોગની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૯૩૮ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૨૫૦ના મથાળે રહ્યા હતા.

જ્યારે એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૯૮ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત