વેપાર

ચાંદીમાં નફારૂપી વેચવાલીએ ₹ ૮૭૩નો ઘટાડો, સોનામાં ₹ ૧૦૦નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં જળવાઈ રહેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહી હતી, પરંતુ આજનાં મોડી સાંજનાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે વેપારી વર્તુળોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ સાધારણ સુધારા સાથે અઢી મહિનાની ઊંચી સપાટીએ જળવાઈ રહ્યા હતા અને વાયદામાં ૦.૩ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૮૭૩નો ઘટાડો આવ્યો હતો અને સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦નો સુધારો આગળ વધ્યો હતો. આમ એકંદરે બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.

આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ગઈકાલે કિલોદીઠ રૂ. ૧૩૫૧નો ઉછાળો આવ્યા બાદ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૭૩ ઘટીને રૂ. ૭૧,૩૨૪ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૭૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૯૪૦ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ ગત પહેલી ઑગસ્ટ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે સાધારણે ૦.૧ ટકાના સુધારા સાથે ૧૯૫૦.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૬૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૨.૮૭ ડૉલર આસપાસ ટકેલા ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલમાં વૈશ્ર્વિક સ્તરે ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં તણાવને કારણે વૈશ્ર્વિક આર્થિક મંદીની ભીતિને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો નિર્મલ બંગ કૉમોડિટીઝનાં એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે પ્રવર્તમાન વૈશ્ર્વિક આર્થિક સિનારિયાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, આજે મોડી સાંજે ન્યૂ યોર્કની ઈકોનોમિક ક્લબમાં ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ તેના વક્તવ્યમાં વ્યાજદર અંગે કંઈ નિર્દેશો આપે છે કે નહીં તેનાં પર બજાર વર્તુળોની મીટ મંડાયેલી છે. વધુમાં અમુક વિશ્ર્લેષકોનું મંતવ્ય છે કે જો વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૬૦ ડૉલરની સપાટી કુદાવશે તો તેજી વેગીલી બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button