વેપાર અને વાણિજ્ય

સોનાચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી સોનામાં ₹ ૯૯૪નો અને ચાંદીમાં ₹ ૨૦૪૭નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ ત્યાર બાદ ડૉલર અને યિલ્ડમાં બાઉન્સબૅક જોવા મળતાં ભાવ ઘટી આવ્યા હતા. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯૦થી ૯૯૪૪નો અને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૦૪૭નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ફરી રૂ. ૭૫,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય નફારૂપી વેચવાલી ઉપરાંત ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૦૪૭ના કડાકા સાથે ફરી રૂ. ૭૫,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૭૪,૩૮૩ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ તથા જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯૦ ઘટીને રૂ. ૬૨,૦૩૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૯૪ ઘટીને રૂ. ૬૨,૨૮૭ના મથાળે રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગત શુક્રવારે હળવી નાણાનીતિના સંકેતો આપતાં સોનામાં ઝડપી તેજી આવ્યા બાદ ગઈકાલે અમુક અંશે નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૨૭.૪૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦૪૫.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૪૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં વૈશ્ર્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. તેમ જ સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ૬૦ ટકા ટ્રેડરો ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની ધારણા મૂકી રહ્યા છે. હાલના તબક્કે સોનામાં ઔંસદીઠ ૨૦૦૯ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ ૧૯૮૦ ડૉલર સુધી ઘટી શકે છે, એવું રૉઈટર્સનાં વિશ્ર્લેષકોનું મંતવ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button