ટીન, નિકલ અને કોપરમાં નફારૂપી વેચવાલીએ પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનો અન્ડરટોન રહ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં ખાસ કરીને ટીનમાં સતત પાંચ સત્રની તેજી પશ્ચાત્ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 58નો ઘટાડો આવ્યો હતો.
તેમ જ ટીનની આગેવાની હેઠળ અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમાં કોપર, નિકલ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકથી 12 સુધીનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એક વધી આવ્યા હતા અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. 58 ઘટીને રૂ. 3362, નિકલના ભાવ કિલોદીઠ રૂ . 12 ઘટીને રૂ. 1338, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 10 ઘટીને રૂ. 1035, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને અનુક્રમે રૂ. 944 અને રૂ. 929, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. છ ઘટીને રૂ. 854ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ .ત્રણ ઘટીને રૂ. 276, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. 913 અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. 184ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ .એક વધીને રૂ. 317ના મથાળે રહ્યા હતા, જ્યારે છૂટીછવાઈ માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 655, રૂ. 593 અને રૂ. 217ના મથાળે ટકેલા રહ્યા હતા.



