વેપાર

રાજકીય આશ્રયનો સરકારી તિજોરી પર બોજ

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

રાજકીય આશ્રય જયારે એક દેશ બીજા દેશના નાગરિકોને આપે છે ત્યારે તેનું મોટા ભાગે કારણ જે તે દેશના નાગરિકને ત્યાં થતી સરકારી કે કાનૂની ગેરરીતિથી થતી પીડાથી બચાવવા માટે માનવીય ન્યાય આપવા માટે બીજો દેશ તેમને રાજકીય આશ્રય આપે છે. જે હાલમાં જ આફ્રીકન દેશો જેવા કે રવાન્ડા અને લિબિયા અને ગલ્ફના દેશોમાં જોવા મળે છે કે જેમાં દેશની રાજકીય અરાજકતા અને જુલમી શાસનમાંથી લોકોને રાહત આપવા માટે ખાસ કરીને પશ્ર્ચિમી યુરોપના દેશો આગળ આવેલા હતા. નોડાઉન આ રાજકીય આશ્રયનો ખોટી રીતે લાભ જે તે દેશના વ્હાઇટ કોલર ક્રિમિનલ પણ કરી રહ્યા છે અને તેથી જ તે દેશમાં આવા વ્હાઇટ ક્રિમિનલો આર્થિક ક્રાઇમ કરીને બીજા દેશમાં ભાગી જઇને રાજકીય આશ્રય લઇ લે છે તેને પકડીને પાછા દેશમાં લાવવા કાયદાકીય આંટીઘૂંટીના કારણે બહુ મુશ્કેલ થઇ જાય છે. આમાં કયારેક હાર્ડકોર ક્રિમિનલ પણ ભાગવામાં સફળ થઇ જાય છે, કારણકે આજકાલ કેટલાક નાના દેશો જો કોઇ વ્યક્તિ અમુક રકમ જે સામાન્ય માણસની આવક કે સંપત્તિ કરતા ઘણી વધારે હોય છે તે રકમનું તે દેશમાં રોકાણ કરે તો તેને જે તે દેશની નાગરિકતા આસાનીથી મળી જાય છે અને ત્યારબાદ આ જે તે દેશના કાયદા પ્રમાણે તેને નાગરિક સુરક્ષતાના તમામ બેનિફિટસ મળે છે અને પ્રત્યાર્પણમાંથી છૂટી જાય છે. જેથી જે દેશમાં ક્રાઇમ કરેલો હોય તે દેશની સરકાર તેને ત્યાંથી ઉઠાવી નથી શકતી અને કોર્ટ કચેરીના કેસોમાં વર્ષો વીતી જાય છે. ઇકોનોમિક ક્રિમિનલ્સ કે જેણે કાવાદાવા કરીને બૅન્કોને ઠગીને કે ટેક્સમાં સરકાર સાથે છેતરપિંડી કરીને કે કંપનીના દેવાદારો સાથે વિશ્ર્વાસઘાત કરીને કમાયેલી કરોડોની રકમમાંથી થોડી રકમ આવા દેશોમાં રોકીને તે દેશની નાગરિકતા મેળવીને ચૈનથી ત્યાં રહેતા હોય છે જે આપણે સૌ જાણીએ છીએ.

પોતાના દેશમાં ગરીબીથી પીડાતા કે અન્ય કારણોથી પીડાતા લોકોને બીજો સમુદ્ધ દેશ આશ્રય આપે તે બહુ માનવીય કાર્ય છે પણ તેનો કેવી રીતે ગેરલાભ લેવાઇ છે તે જર્મનીમાં જોવા મળેલ છે.
આ વાત છે નાઇજીરિયાના જોનાથન નામની વ્યક્તિની કે જે જર્મનીમાં માઇગ્રન્ટ છે અને જર્મન સરકાર પાસેથી તેનો દાવો છે કે તેના ૨૪ સંતાનો છે જેના ભરણપોષણ માટે દર મહિન ૨૨,૦૦૦ યુરોઝ મેળવે છે. જર્મનીના ઇમિગ્રેશનના કાયદા મુજબ જર્મન નાગરિકોનાં બાળકો તેઓ જર્મનીમાં રહેતાં ના પણ હોય તો તેઓને જર્મન નાગરિકતા ઓટોમેટિક મળી જાય છે. આ ઉપરાંત આ બાળકોની મા અને તેના સગાંવહાલાંઓને પણ જર્મન સિટિઝનશિપ મળી જાય છે.

આ જોનાથન મહાશયે ૯૪ લોકોને તેના ડિપેન્ડન્ટ બતાવ્યા છે જેમાં ૨૪ બાળકોનો સમાવેશ થાય છે અને બીજા બે જણની એપ્લિકેશન પેડિંગ છે.

આ મહાશય બહુ બેશરમીથી લકઝરીય લાઇફસ્ટાઇલ જીવે છે મોંઘી ગાડીઓમાં ફરે છે. બ્રાન્ડેડ કપડાઓ પહેરે છે અને તેના વીડિયોઝ અને ફોટાઓ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે.

‘ફેક ફાધર્સ’ નામના એક રિપોર્ટમાં જાણવા મળેલ છે કે આ મહાશય જેવા સેંકડો લોકોએ જર્મન માનવીય સહાયતાનો લાભ લીધેલ છે જે રકમ કરોડો યુરોઝમાં થાય છે. એક યુરો એટલે આપણા ૯૦ રૂપિયા.

ફેક ફાધરહુડનું રેકેટ બહાર આવ્યું છે. જેમાં કેટલીક મહિલાઓ જે તે માણસને તેના પતિ ગણાવે છે અને બાળકોનો આ વ્યક્તિથી પેદા થયેલાં સંતાનો ગણાવે છે જેથી આર્થિક સહાયતા તેના ભરણપોષણ માટે મેળવી શકાય.

જર્મનીમાં કોઇ નાગરિક રજિસ્ટ્રી નહીં હોવાના કારણે અને ખોટાં મા-બાપ તરીકે રજિસ્ટ્રી કરીને કોઇ મા-બાપ પકડાય જાય તો તેને સજાપાત્ર ગુન્હો નથી ગણવામાં આવતો તેનો લાભ આ લેભાગુ લોકો લે છે.

આવા તો સેંકડો કેસીસ કેટલાય દેશોમાં જોવા મળશે જે માનવીય સહાયતાના ઉત્તમ ઉદેશની ધજીયા ઉડાવે છે. એક બાજુ દેવ છે તો સામે દાનવોની પણ કમી નથી.
સ્ટ્રીટ સ્માર્ટ થવું તે સારું હોય શકે પણ કોઇના વિશ્ર્વાસના ભોગે તે ના હોવું જોઇએ, કારણ કે ‘ડોન્ટ ગેટ્ ધ વર્લ્ડ એન્ડ લુઝ યોર સોલ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button