કોપરનાં ખાણકામ અને સંશોધનોમાં રોકાણ આકર્ષવા નીતિવિષયક સુધારાની તાતી જરૂરઃ અહેવાલ

નવી દિલ્હીઃ દેશમાં કોપર (તાંબા)ના સંશોધનો અને ખનન ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે નીતિવિષયક સુધારાઓની તાતી આવશ્યકતા છે જેથી રોકાણકારને અનુકૂળ વળતરની સુનિશ્ચિતતા થાય અને રોકાણ પરત્વે આકર્ષણ વધે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. નોંધનીય બાબત એ છે કે દેશ કોપરમાં ભારે આયાત નિર્ભરતા ધરાવે છે.
દેશના અર્થતંત્રમાં પાવર ગ્રીડ અને ઈલેક્ટ્રિક વાહનોથી લઈને અદ્યતન ઉત્પાદનોમાં પરિવર્તિત કરવા માટેનાં મહત્ત્વના ઘટક તરીકે કોપરની ગણના હાર્દ સમાન કરવામાં આવે છે. હાલ વિશ્વભરમાં કોપરની માગમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ભારતમાં પણ કપોરની વધી રહેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતમાં કોપરનું સંશોધન અને ખનન થવું જોઈએ, કારણ કે મોટા સંસાધનો અને ભંડારો અન્વેષિક છે અને તેથી તેનું ખાણકામ કરવામાં નથી આવતું.
આમ સંશોધન અને ખનન પ્રવૃત્તિમાં રોકાણકારોને અનુકૂળ વળતર મળવાની બાંયધરી મળે તો તેઓ રોકાણ કરવા આકર્ષિત થાય તે માટે નીતિવિષયક સુધારાઓ આવશ્યક છે, એમ સેન્ટર ફોર સોશિયલ ઍન્ડ ઈકોનોમિક પ્રોગે્રસ (સીએસઈપી)એ એક અહેવાલમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે દેશની કોપરની કુલ માગ પૈકી 50 ટકા માગ આયાતથી સંતોષાય છે અર્થાત્ 50 ટકા આયાતનિર્ભરતા છે.
દેશનાં અર્થતંત્રમાં કોપરના વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં લેતા કોઈપણ બિનજરૂરી વિલંબ અને બેકલોગ ટાળવા માટે લિલામથી લઈને કાયદાકીય અથવા તો વૈધાનિક મંજૂરીઓ આપવા અને ખનન કાર્ય શરૂ કરવા સુધીની પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત કરવાની આવશ્યકતા હોવાનું અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે હાલની ખનન યંત્રણામાં ભારતની ભૂસ્તરશાસ્ત્રીય સંભાવનાઓનું અન્વેષણ કરાયું નથી, લિલામ યંત્રણા જટીલ છે અને કાયદેસરની મંજૂરીઓ મેળવતા વિલંબ થઈ રહ્યો હોવાથી નવાં રોકાણોનો અભાવ જોવા મળી રહ્યો હોવાનું ઉમેર્યું હતું.
દેશમાં એકમાત્ર કોપરની ખનનકર્તા કંપની હિન્દુસ્તાન કોપર લિ. પણ કાર્યકારી અક્ષમતાઓનો સામનો કરી રહી છે આથી ઑર અને કોન્સન્ટ્રેટનું ઉત્પાદન સ્થિર જેવું થઈ ગયું છે. તાજેતરમાં મૂકવામાં આવેલા અંદાજ અનુસાર આગામી વર્ષ 2030 સુધીમાં દેશમાં બાંધકામ, ઉદ્યોગ અને ઈલેક્ટ્રિસિટી સહિતનાં પરંપરાગત ક્ષેત્રમાં કોપરની માગ વધીને 32.4 લાખ ટનની સપાટીએ પહોંચવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એનર્જી ટ્રાન્ઝિશન્સ ક્ષેત્રમાં હાલ જે માગ ઓછી માત્રામાં છે, પરંતુ તેમાં મક્કમ ધોરણે વધારો થવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો…ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ