નવેમ્બરમાં નિકાસ વૃદ્ધિ મજબૂત રહેશેઃ ગોયલ

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં દેશની નિકાસમાં જોવા મળેલા 12 ટકાના ઘટાડા બાદ ગત નવેમ્બર મહિનાની નિકાસમાં મજબૂત વૃદ્ધિ જોવા મળશે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું. જોકે, તેમણે નિકાસના કોઈ આંકડા જણાવ્યા નહોતાં. નોંધનીય બાબત એ છે કે વાણિજ્ય મંત્રાલય દ્વારા આયાત અને નિકાસના આંકડાની સત્તાવાર જાહેરાત થનાર છે.
દેશની એકંદર મર્કન્ડાઈઝ નિકાસ મજબૂત સ્થિતિમાં છે. આગલા ઑક્ટોબર મહિનામાં મર્કન્ડાઈઝ નિકાસમાં ઘટાડો થયા બાદ આકસ્મિક રીતે નવેમ્બર મહિનાની નિકાસમાં ઑક્ટોબર મહિનાના ઘટાડાની તુલનામાં વધુ વધારો જોવા મળ્યો છે. તેમ જ જો ઑક્ટોબર અને નવેમ્બરની નિકાસનું સમીકરણ કરવામાં આવે તો વૃદ્ધિ જોવા મળી હોવાનું તેમણે અત્રે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું.
આપણ વાચો: ઑક્ટોબર મહિનામાં દેશની મર્કન્ડાઈઝ નિકાસમાં ઘટાડોઃ ક્રિસિલ
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભારત વેપાર ભાગીદાર દેશો સાથે વધુ ઊંડાણપૂર્વક એકીકરણની દિશામાં કાર્ય કરી રહ્યું છે અને આગામી દિવસો અને મહિનાઓમાં તમે ઘણાં વેપારી ભાગીદાર દેશો સાથેનાં સફળ જોડાણોના અહેવાલો સાંભળશો. હાલમાં ભારત યુરોપિયન યુનિયન, ન્યૂઝીલેન્ડ, ઓમાન, ચિલી, અને પેરુ સહિતનાં વિવિધ દેશો સાથે મુક્ત વેપાર કરારની વાટાઘાટો કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે ગબડી રહેલા રૂપિયા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બીજા ત્રિમાસિકગાળાના જીડીપીના 8.2 ટકાના દરેક અંદાજોને મહાત આપી છે, છેલ્લાં થોડા મહિનાથી ફુગાવો નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે, વિદેશી હૂંડિયામણની અનામત મજબૂત છે, મૂડીગત્ આંતરપ્રવાહ અને માળખાકીય ક્ષેત્રમાં રોકાણ અને ગ્રાહકલક્ષી ખર્ચ સહિતનાં અર્થતંત્રના તમામ પરિબળો સકારાત્મક કામગીરી દાખવી રહ્યા છે.
ત્યારે ગત બુધવારે ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયો 90.15ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકાએ ભારત પર લાદેલી ઊંચી ટૅરિફની અસર હેઠળ ભારતની નિકાસ 11.8 ટકા ઘટીને 34.38 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો થવાને કારણે વેપાર ખાધ વધીને 41.68 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચી હતી.
જોકે, વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નિકાસ સાધારણ 0.63 ટકા વધીને 254.25 અબજ ડૉલર અને આયાત 6.37 ટકા વધીને 451.08 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.



