સોનામાં વન વે તેજી, વૈશ્ર્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ સોનાએ ₹ ૧૧૧૮ની તેજી સાથે ₹ ૬૪,૦૦૦ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ઉત્પાદન અને બાંધકામના ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલા કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ થવાની સાથે આજે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે તેજી આગળ ધપી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૧૩થી ૧૧૧૮ની આગઝરતી તેજી આગળ ધપતા ભાવ રૂ. ૬૪,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. ૧૪૬૭નો ઉછાળો આવ્યો હતો. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહેવાની સાથે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી લેવાલી રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૧૩ વધીને રૂ. ૬૪,૩૩૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૧૧૮ વધીને રૂ. ૬૪,૫૯૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૬૭ના ઉછાળા સાથે રૂ. ૭૨,૨૪૪ના મથાળે રહ્યા હતા. અમેરિકાનાં આર્થિક ડેટા નબળા આવતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ગત ૪ ડિસેમ્બર પછીની ઊંચી ઔંસદીઠ ૨૧૧૯.૬૯ ડૉલર સુધી પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે તેજીનો કરંટ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૧૨૪.૭૦ ડૉલર અને વાયદાના ભાવ ૦.૪ ટકા વધીને ૨૧૩૩.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૯૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.