વેપાર અને વાણિજ્ય

વ્યાજદરમાં વહેલા ઘટાડાનો આશાવાદ ઓસરતા વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૮૬૫નું અને ચાંદીમાં રૂ. ૨૦૦૨નું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકા ખાતે જાહેર થયેલા જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત ૪ ડિસેમ્બર પછીનો સૌથી મોટો ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટીની અંદર ગગડી ગયા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સોનાના હાજર ભાવમાં વધુ ૦.૨ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૬૧થી ૮૬૫ના કડાકા સાથે રૂ. ૬૨,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૨૦૦૨ના ગાબડાં સાથે રૂ. ૭૦,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ ઘટતી બજારે જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૦૦૨ ઘટીને રૂ. ૬૯,૦૪૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૬૧ ઘટીને રૂ. ૬૧,૨૮૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૬૫ ઘટીને રૂ. ૬૧,૫૨૯ના મથાળે રહ્યા હતા.

અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનામાં ફુગાવાનો દર ૨.૯ ટકા આસપાસની સપાટીએ રહે તેવી બજારની ધારણા સામે ફુગાવો વધીને ૩.૧ ટકાના સ્તરે રહેતાં હવે ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના અંત આસપાસ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા ઓએનડીએનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે વ્યક્ત કરી હતી. આમ ફુગાવો વધી આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત ૪ ડિસેમ્બર પછીનો સૌથી મોટો ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ઔંસદીઠ રૂ. ૨૦૦૦ ડૉલરની સપાટીની અંદર ઉતરી ગયા હતા. વધુમાં આજે પણ ભાવઘટાડાનો દોર જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ૧૯૮૮.૦૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૨૦૦૦.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં હાલને તબક્કે વૈશ્વિક સોના માટે ઔંસદીઠ ૧૯૭૫ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વૉંગે વ્યક્ત કરી હતી. જોકે, હવે બજાર વર્તુળો જૂન મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ સેવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…