નવેમ્બરમાં પાવરનો વપરાશ ઘટીને 123.4 અબજ યુનિટ

નવી દિલ્હીઃ ગત નવેમ્બર મહિનામાં ખાસ કરીને કૂલિંગ ઉપકરણોના વપરાશમાં ઘટાડો થવાથી દેશમાં પાવરનો કુલ વપરાશ નવેમ્બર, 2024ના 123.79 અબજ યુનિટ સામે સાધારણ 0.31 ટકા ઘટીને 123.4 અબજ યુનિટની સપાટીએ રહ્યો હતો.
સરકારી અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બર મહિનાના પાવરનો વપરાશમાં આગલા ઑક્ટોબર મહિનાના 131.07 અબજ યુનિટ સામે 5.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, સપ્ટેમ્બરમાં પાવરનો વપરાશ વર્ષાનુવર્ષ ધોરણે વધીને 145.66 અબજ યુનિટ (140.61 અબજ યુનિટ)ની સપાટીએ રહ્યો હતો.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગત ઑક્ટોબર મહિનામાં દેશનાં વિવિધ હિસ્સાઓમાં થયેલા કમોસમી વરસાદ અને નવેમ્બર મહિનામાં શિયાળાની મોસમનો આરંભ થવાને કારણે પણ કૂલિંગ ઉપકરણોનાં વપરાશમાં ઘટાડો થવાથી પાવરનો વપરાશ દબાણ હેઠળ રહ્યો હતો. વધુમાં તેઓ જણાવે છે કે હવે શિયાળાની મોસમ શરૂ થઈ હોવા છતાં લોકોને ગિઝર અને બ્લોઅર્સ જેવાં હીટિંગ ઉપકરણોની આવશ્યકતા નથી પડી.
જોકે, ગત નવેમ્બર મહિનામાં પીક પાવર માગ અથવા તો પાવરની એક દિવસીય સર્વોચ્ચ માગ નવેમ્બર, 2024નાં 207.44 ગિગા વૉટ સામે વધીને 215.54 ગિગા વૉટની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે ગત મે, 2024માં પીક પાવર માગ સર્વોચ્ચ અથવા તો ઑલ ટાઈમ હાઈ 250 ગિગા વૉટની સપાટીએ પહોંચી હતી. તે પૂર્વે સપ્ટેમ્બર, 2023માં પીક પાવર માગ 243.27 ગિગા યુનિટની વિક્રમ સપાટીએ રહી હતી.
સરકારે આ વર્ષે ઉનાળામા (એપ્રિલ પશ્ચાત્) પીક પાવર માગ વધીને 277 ગિગા વૉટની સપાટીએ પહોંચવાનો અંદાજ મૂક્યો હતો. તેમ છતાં આ વર્ષે ઉનાળાની મોસમમાં ગત જૂન મહિનામાં પિક પાવર માગ 242.77 ગિગા વૉટના સ્તરે રહી હતી. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બર મહિનામાં તાપમાનનો પારો નીચે જતાં હીટિંગ ઉપકરણોની માગને ટેકે એકંદરે પાવરની માગ સ્થિર રહેશે.



