ચા ખરીદદારોનો વિશ્વાસ પુનઃ અંકે કરવા માટે ગુણવત્તાને અગ્રતાક્રમ આપવા હાકલ | મુંબઈ સમાચાર
વેપાર

ચા ખરીદદારોનો વિશ્વાસ પુનઃ અંકે કરવા માટે ગુણવત્તાને અગ્રતાક્રમ આપવા હાકલ

જોર્હાતઃ ઉત્તર ભારતમાં મોટા અન્ય મધ્યમ કદનાં ચા ઉત્પાદકો હાલ કટોકટીનો સામનો કરી રહ્યા છે અને તેઓની સમસ્યાનાં નિવારણ કરવા માટે આસામ ટી પ્લાન્ટર્સ એસોસિયેશન (એટીપીએ)એ ઉત્પાદકોને ગ્રાહકનો વિશ્વાસ પુનઃ અંકે કરવા માટે ઉત્પાદનની ગુણવત્તાને અગ્રતાક્રમ આપવાની સાથે ઉત્પાદનમાં સ્થિરતા લાવવાની હાકલ કરી છે.

માત્ર ગુણવત્તા અર્થાત્‌‍ ક્વૉલિટી એક જ માર્ગ છે. ઉત્તર ભારત માટે ગુણવત્તા તરફ નિર્ણાયક પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો હોવાનું એસોસિયેશનના ચેરમેન સમુદ્ર પી બરુઆએ જણાવતાં ઉમેર્યું હતું કે ગુણવત્તા એટલે માત્ર સ્વાદ જ નહીં, પરંતુ ઉત્પાદન ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)નાં નિર્દિષ્ટ ધારા-ધોરણો અનુસારનું હોવું જોઈએ બજારમાં વિશ્વસનિયતા પુનઃ સ્થાપિત થશે.

નોંધનીય બાબત એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી હલકી ગુણવત્તાવાળી ચાની વધેલી ભરમારને ધ્યાનમાં લેતા ઉત્પાદકોનાં સૌથી જૂના એસોસિયેશને ગુણવત્તા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ કરતા બરુઆએ ઉમેર્યું હતું કે હલકા માલના અતિરિક્ત પુરવઠાને કારણે બજારમાં ભાવ નીચે ગગડી રહ્યા છે.

વધુમાં ઉદ્યોગના પડકારો અંગે તેમણે જણાવ્યું હતું કે ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિયેશન (ફેઈટા)નાં જણાવ્યાનુસાર ગુવાહાટી અને સિલિગુડી ટી ઑક્શન સેન્ટર (જીટીએસી અને એસટીએસી)માં લિસ્ટેડ થતી ચાની મોટાભાગની ગુણવત્તા એફએસએસએઆઈ દ્વારા નિર્દિષ્ટ ધારાધોરણો અનુસારની નથી હોતી. આથી ખરીદદારો દક્ષિણ ભારત તરફ વળી રહ્યા છે. તેમ જ ઘણાં આફ્રિકાથી આયાત કરનારા પેકરો પણ નિર્દિષ્ટ ગુણવત્તાના અભાવને કારણે કાયદાકીય આંટીઘૂંટીનો સામનો કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના પેકેટિયરો આસામ અને પશ્ચિમ બંગાળમાંથી ખરીદી માટે રસ ગુમાવી રહ્યા છે જે એક ચેતવણીજનક બાબત છે. જોકે, એસોસિયેશને ઉત્પાદકોને તેની ગુણવત્તાયુક્ત અથવા તો ઓછામાં ઓછા 40 ટકા ફાઈન કાઉન્ટ ધરાવતી લીલી પત્તીનાં કિલોદીઠ ઓછામાં ઓછા રૂ. 25ના ભાવનો પ્રસ્તાવ મૂક્યો છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button