કૃષિ ક્ષેત્ર 10 વર્ષ સુધી ચાર ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશેઃ નિતિ આયોગ

નવી દિલ્હીઃ દેશનું કૃષિ ક્ષેત્ર આગામી 10 વર્ષ સુધી સરળતાપૂર્વક ચાર ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશે, પરંતુ સાથે સાથે વેરહાઉસની માળખાકીય સુવિધા વિસ્તારવાની પણ જરૂર હોવાનું નિતિ આયોગના સભ્ય રમેશ ચાંદે જણાવ્યું હતું.
અત્રે ઔદ્યોગિક સંગઠન પીએચડીસીસીઆઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે કૃષિ ઉત્પાદનોની માગ વર્ષે 2.50 ટકાના દરે વૃદ્ધિ પામે તેમ હોવાથી મારા મતે આપણે સરળતાપૂર્વક આગામી એક દાયકા સુધી ચાર ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશું. નોંધનીય બાબત એ છે કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં દેશનો કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિદર 3.7 ટકાના સ્તરે રહ્યો હતો, પરંતુ આપણાં કૃષિ ઉત્પાદનોની માગ આ દરથી નથી વધી રહી આથી આ ઉત્પાદનો માટે ઔદ્યોગિક વપરાશ માટે અથવા તો નિકાસ બજાર ખોળવી પડશે. મારા મતે નિકાસ બજાર ખોળવાનો વિકલ્પ વધુ સારો રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘઉં અને ચોખા માટે વેરહાઉસની જરૂરિયાત અલગ નથી, પરંતુ મકાઈ માટેની જરૂરિયાત જુદી છે. જોકે, કાયદાનુસાર તમે ચોક્કસ માત્રા કરતાં વધુ સંગ્રહ નથી કરી શકતા તો પછી વેરહાઉસિંગમાં રોકાણનાં નિર્ણયોને પ્રભાવિત કરવા માટે નિયમનો મહત્ત્વપૂર્ણ છે. આપણે ત્રણ કૃષિ કાયદાઓ લાગુ કરવામાં સફળ ન થયા પછી આવશ્યક ચીજવસ્તુ ધારો લાગુ કરવાની આવશ્યકતાઓ ઓછી થઈ રહી હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે જાહેર ધારણાથી વિપરીત ભારતમાં ખાદ્ય ચીજોનું નુકસાન પણ વધુ નથી.
આ પણ વાંચો: સરકારે ચૂનાના પથ્થરને મુખ્ય ખનિજમાં વર્ગિકૃત કરીને વેચાણ નિયંત્રણો હળવા કર્યા
નુકસાન સંદર્ભે મેં યુએનના પરિસંવાદમાં જણાવ્યું હતું કે દૂધ જલદીથી બગડી જતું હોવા છતાં તેમાં પણ આપણી નુકસાનની ટકાવારી માત્ર 0.5 ટકા જેટલી નજીવી છે. હાલમાં મોટી માત્રામાં થઈ રહેલા અનાજનું નુકસાનને વૅરહાઉસમાં રોકાણ માટે પ્રોત્સાહનો આપીને અટકાવી શક્ાય તેમ છે. કેમ કે જો તમને નુકસાન ઓછું કરવું હોય તો વૅરહાઉસમાં વધુ રોકાણ કરો, એમ તેમણે કહ્યું હતું.
વધુમાં તેમણે બફર સ્ટોકની જાળવણી માટે વૅરહાઉસની આવશ્યકતા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે અનાજ એ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે અને જો તેનો વર્ષ કરતાં વધુ સમયગાળા માટે સ્ટોક થતો હોય તો સ્થાનિક સ્તરે ભાવસપાટી પણ જાળવી રાખવામાં મદદરૂપ થાય. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2024-25માં દેશમાં 35.4 કરોડ ટન ખાદ્યાન્નનું ઉત્પાદન થયું હતું અને ભારત કૃષિ ચીજોનાં વૈશ્વિક ઉત્પાદનમાં બીજા ક્રમાંકે રહ્યો હતો અને આઠમાં ક્રમાંકનો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો હતો.



