નિફ્ટીમાં કોન્સોલિડેશનની સંભાવના સાથે દોઢસો પોઇન્ટનો ઉછાળો મહત્ત્વનો, બેન્ક નિફ્ટી માટે ૫૧,૦૦૦ની સપાટી નિર્ણાયક
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
શેરબજારના સેન્ટિમેન્ટ પર તાત્કાલિક અને મોટી અસર કરી શકે એવા પરિબળો હાલ તો મોજૂદ નથી અને તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે બજારના માનસ પર વાસ્તવમાં અર્થતાંત્રિક, રાજકીય કે કુદરતી આફત જેવા પરિબળો પણ ખાસ સર કરતા નથી! આવા પરિબળોમાં તમે વિવિધ દેશના જીડીપી કે ફૂગાવાના આંકડા, રશિયા અને યુક્રેન વચ્ચેની યુદ્ધ, ઇઝરાયલ અને હમાસના ઘસરણ કે પછી કોરોના સહિતના રોગચાળાની સંભાવનાના રિપોર્ટનો સમાવેશ કરી શકો છો અને તેની બજાર પર થયેલી અસરો તપાસી શકો છે.
ટોચના ટેક્નિકલ નિષ્ણાતો અનુસાર નિફ્ટી હાલ ૨૫,૪૦૦ના સ્તર સુધીની આગેકૂચ નોંધાવ્યા અગાઉ કોન્સોલિડેશનની ચાલ બતાવી શકે છે. હવે નિફ્ટી માટે ૨૫,૦૦૦નું સ્તર ટેાની સપાટી બનશે. દરમિયાન, બેન્ક નિફ્ટીએ ૫૨,૦૦૦ તરફ આગળ વધવા માટે ૫૧,૫૦૦થી ઉપર મક્ક્મ બંધ આપવો પડશે અને એ સ્તર ટકાવી રાખવું પડશે. નિષ્ણાતોની ગણતરી અનુસાર, બેમન્ક નિફ્ટીમાં ત્યાં સુધી ૫૧,૦૦૦ સપોર્ટ સાથે કોન્સોલિડેશન ચાલુ રહેશે.
હાલ તો બજાર પર એક ફેડરલ રિઝર્વના સ્ટાન્સની સીધી અસર જોવા મળી રહી છે. વિશ્ર્વબજારની તેજી સાથે સ્થાનિક સ્તરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધેલી લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહના અંતિમ સત્રમાં નવી ઊંચી સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સે સતત નવમાં સત્રમાં આગેકૂચ ચાલુ રાખતાં ૮૨,૬૩૭.૦૩ પોઇન્ટની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીને અને ૮૨,૩૬૫.૭૭ પોઇન્ટની નવી સર્વકાલિન બંધ સપાટી હાંસલ કરી છે. જ્યારે નિફ્ટીએ સત્ર દરમિયાન ૨૫,૨૬૮.૩૫ની નવી ઊંચી સપાટીને અથડાઇને અંતે ૨૫,૨૩૫.૯૦ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ બંધ સપાટી નોંધાવી છે.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં નિફ્ટી-૫૦ ઈન્ડેક્સ અને સેન્સેક્સ લગભગ ૧.૭ ટકા વધ્યા હતા, જ્યારે મિડ-કેપ ઈન્ડેક્સ લગભગ ૧.૭ ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ માત્ર ૦.૬ ટકા વધ્યો હતો. બજારોએ વૈશ્ર્વિક બજારોના તેજીના સંકેતોને અનુસર્યા હતા. જેકસન હોલમાં યુએસ ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલના નિવેદનમાં નિકટવર્તી દરમાં ઘટાડો તેમજ સોફ્ટ લેન્ડિંગમાં વધુ આત્મવિશ્ર્વાસનો સંકેત આપવામાં આવ્યો હોવાથી ભારત સહિતના ઇમજ્રિંગ માર્કેટ્સને આગળ વધવામાં મદદ મળી હતી.
નિફ્ટી એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને પાવર સિવાયના સેક્ટોરલ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે મોટાભાગે સુધારા પર રહ્યાં હતા. નિફ્ટી આઈટી ૩.૮ ટકાના વધારા સાથે ટોચનાો સેક્ટોરલ ગેનર ઇન્ડેક્સ બન્યો હતો. અન્ય ક્ષેત્રીય સૂચકાંકો જેમ કે ક્ધઝ્યુમર ડ્યુરેબલ, ઓટો, મેટલ, રિયાલિટી, ફાર્મા, મીડિયા અને તેલ અને ગેસ ઇન્ડેક્સ એકથી ત્રણ ટકા સુધી વધ્યા હતા. જ્યારે બેંક નિફ્ટી સપ્તાહ દરમિયાન લગભગ એક ટકા વધ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સની અંદર, બજાજ ફિનસર્વ ૮.૯૦ ટકા, એલટીમાઇન્ડટ્રી ૮.૫ ટકા અને બજાજ ફાઇનાન્સ ૬.૯ ટકા સાથે સૌથી વધુ વધનારા શેરોમાં ટોચ પર રહ્યાં હતાં, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ ૨.૧ ટકા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮ ટકા અને કોલ ઇન્ડિયા ૧.૮ ટકાના ઘટાડા સાથે સૌથી વધુઘટનારા શેરોમાં ટોચ પર રહ્યાં હતાં.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ), બંને વર્ગ સપ્તાહ દરમિયાન ચોખ્ખા લેવાલ રહ્યા હતા. આગામી સમયમાં શેરબજાર મેક્રો વલણો, ફુગાવા અને ભૌગોલિક-રાજકીય ચિંતાઓ સહિત વૈશ્ર્વિક પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આંતરરાષ્ટ્રીય મોરચે, અમેરિકાના સાપ્તાહિક બેરોજગારીના દાવાઓ અગાઉના સપ્તાહથી ઘટ્યા હતા, જેનાથી મંદીની ચિંતા વધુ હળવી થઈ હતી. વધુમાં, બીજા-ક્વાર્ટરના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિમાં પ્રારંભિક ૨.૮ ટકાના દરથી ત્રણ ટકાનો સુધારો આવ્યો હતો.
યુરોપમાં, ફ્રાંસનો પ્રારંભિક, ઇયુ સુસંગત ગ્રાહક ભાવ સૂચકાંક વાર્ષિક ધોરણે ઓગસ્ટ માટે ૨.૨ ટકા નોંધાયો છે, જે જુલાઈના ૨.૭ ટકા કરતા નીચે હતો. ગુરુવારે જારી કરાયેલા જર્મન અને સ્પેનિશ સીપીઆઇ રિપોર્ટમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે બંને દેશોમાં ફુગાવાના દબાણમાં ઘટાડો થઈ
રહ્યો છે.
એશિયામાં, બેન્ક ઓફ જાપાન વ્યાપકપણે તેની નાણાકીય નીતિને કડક બનાવવાની ઝુંબેશને વળગી રહે એવી ધારણાં છે, કારણ કે તેની રાજધાની ટોક્યિોમાં ફુગાવાના દબાણ બેન્કના આર્થિક અંદાજોને પુન: સમર્થન આપે છે.
નિષ્ણાતો માને છે કે, સ્થાનિક ફંડો દ્વારા બ્લુચીપ શેરોનું એક્યુમ્યુલેશન અને એચએનઆઇ તથા એફઆઇઆઇની વેચવાલીમાં થયેલા ઘટાડા સાથે લેવાલીની શરૂઆત થઇ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.
એફઆઇઆઇની લેવાલીનો ટેકો મળી રહ્યો હોવાથી બજારની સ્થિતિસ્થાપકતામાં વધારો થયો છે. માર્કેટ માટે હવે તેજી અને મંદીના બંને પ્રકારના પરિબળો મોજૂદ છે. મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય તંગદીલી વધી રહી હોવાથી ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઇ રહ્યું છે. જોકે, ગ્લોબલ ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને સૌથી મજબૂત ટેકો અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત રેટ કટથી મળી રહ્યોે છે, જેનું અનુસરણ આરબીઆઈ સહિત અન્ય કેન્દ્રીય બેંકોને કરશે એવું માનવામાં આવે છે.
જોકે, અમુક નિષ્ણાતો માને છે કે ફેડરલનું પરિબળ હવે ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. ભારતીય અર્થતંત્રને હવે દર ઘટાડા દ્વારા નાણાકીય ઉત્તેજનાની જરૂર છે અને આ આગામી નીતિ બેઠકમાં સંભવ છે. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરથી વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી તેજીનો પવન શરૂ થઈ ગયો હતો. જોકે હવે નવા ટ્રીગરની આવશ્યકતા છે. સ્થાનિક સ્તરે ભારતમાં આ વખતે ચોમાસુ ઘણું સારુ રહ્યું છે અને ખાસ તો કંપનીઓના નફા વધી રહ્યા છે.