વેપાર

નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીએ ₹ ૪૭ તૂટ્યા

મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે પાંખાં કામકાજો વચ્ચે કોપર સહિતની વિવિધ ધાતુઓનાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકંદરે કામકાજો પાંખા હોવાથી મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭ તૂટ્યા હતા.

આ સિવાય સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવમાં કિલોદીઠ રૂ. ત્રણનો અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં રૂ. બેનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે બ્રાસ અનેકોપર કેબલ સ્ક્રેપ તથા કોપર આર્મિચરમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી ત્રણ વધી આવ્યા હતા.

ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં ગત મે મહિનામાં કોપરની આયાતમાં બજારની અપેક્ષા કરતાં ધીમી ૨.૬ ટકાની વૃદ્ધિ જોવા મળતાં આજે લંડન ખાતે કોપરનાં વાયદામાં ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ટનદીઠ ૧૦,૧૧૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓના ભાવ પણ દબાણ હેઠળ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭ના ઘટાડા સાથે રૂ. ૧૫૬૫ના મથાળે રહ્યા હતા.
આ સિવાય આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૭૫ તથા રૂ. ૮૯૦ના મથાળે તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૨૪૫ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૫૩૮, બ્રાસ શીટ કટિંગ્સ અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૫૭૪ અને રૂ. ૮૬૧ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૮૩૨ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button