સલામતી માટની માગને ટેકે વૈશ્વિક સોનાએ નવી ઐતિહાસિક ઊંચી સપાટી દર્શાવી..
સ્થાનિક સોનું રૂ. 1214 વધીને 1.05 લાખની પાર, ચાંદીમાં રૂ. 137નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બની રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજર સોનાએ એક તબક્કે આૈંસદીઠ 3546.99 ડૉલરની અતિહાસિક ઊંચી સપાટી દાખવ્યા બાદ ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના તથા ચાંદીમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1209થી 1214ની તેજી આવી હતી અને ભાવ રૂ. 1.05 લાખની પાર થઈ ગયા હતા, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 137નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સોનામાં ઝડપી તેજી આગળ ધપતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1209 વધીને રૂ. 1,05,215ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1214 વધીને રૂ. 1,05,638ના મથાળે રહ્યા હતા.
જોકે, તાજેતરમાં સોનામાં આગઝરતી તેજી ફૂંકાઈ ગઈ હોવાથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ તળિયે બેસી ગઈ છે. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં ખાસ કરીને વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો નવી લેવાલીથી દૂર રહ્યા હતા, પરંતુ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 137ના સાધારણ સુધારા સાથે રૂ. 1,22,970ના મથાળે રહ્યા હતા.
અમેરિકી અપીલ કોર્ટે ગત સપ્તાહે ટૅરિફ અંગેના નિર્ણય ગેરકાયદેસરના ગણાવ્યા બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટને તેનો ચુકાદો વહેલો જાહેર કરવા વિનંતી કરશે.
એકંદરે સુપ્રીમ કોર્ટનાં ટૅરિફ અંગેના અને ફેડરલ રિઝર્વનાં ગવર્નર લિસા કૂકને પદભ્રષ્ટ કરવાના નિર્ણયને કારણે બજારમાં વધુ અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો હોવાથી સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું ટેસ્ટીલિવના ગ્લોબલ મેક્રો વિભાગના હેટ ઈલ્યા સ્પિવિકે જણાવ્યું હતું.
ગયા મહિને ફેડરલના ગવર્નર લિસા કૂકને સત્તામાંથી દૂર કરવામાં આવતા ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા સામે પ્રશ્નાર્થ ઊભો થવાની સાથે હવે કાયદેસરની લડતમાં ટ્રમ્પની પરિક્ષા થનાર છે, જ્યારે બીજી તરફ ટ્રમ્પ ફેડરલ રિઝર્વ પર વ્યાજદરમાં કપાત માટે દબાણ કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 92 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હોવાથી સોનાની તેજીને પ્રેરકબળ મળી રહ્યું છે.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે વિશ્વમાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ 1.32 ટકા વધીને ઑગસ્ટ, 2022 પછીની સૌથી ઊંચી 990.56 ટનની સપાટીએ પહોંચ્યું હતું.
વધુમાં હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાત માટે મહત્ત્વની ભૂમિકા ભજવનાર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…કોમોડિટી: આ કારણોસર વૈશ્વિક સોનામાં થયો છે ઉછાળો…