વેપાર

સુઝુકી મોટર ગુજરાતનાં મારુતિ સુઝુકી ઈન્ડિયા સાથેના મર્જરને એનસીએલટીની મંજૂરી…

નવી દિલ્હીઃ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)એ મારુતી સુઝુકી ગુજરાતને તેની મૂળ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.માં મર્જર કરવા માટે મંજૂરી આપી છે. તાજેતરમાં નવી દિલ્હીની એનસીએલટીનાં બે પ્રિન્સિપાલ સભ્યોની બૅન્ચે સુઝુકી મોટર ગુજરાત પ્રા.લિ. (ટ્રાન્સફરર કંપની)એને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ. (ટ્રાન્સફરી કંપની)એ સંયુક્તપણે ગત પહેલી એપ્રિલ, 2025ના રોજ અમાલગમેશન માટે મૂકેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

એકંદરે આ સ્કીમ બન્ને પિટિશનર કંપનીઓના શેરધારકો, લેણદારો, કર્મચારીઓ સહિતના તમામ હિસ્સેધારકોના હિતમાં હોવાથી હાલની સ્કીમને મંજૂરી આપવામાં કોઈ અવરોધ નથી જણાતો, એમ બૅન્ચે જણાવ્યું હતું. વધુમાં બૅન્ચે નોંધ્યું હતું કે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ રિજિયનનાં આવકવેરા વિભાગ અને અમદાવાદના અધિકૃત લિક્વિડેટરે પણ ટ્રિબ્યૂનલની વિચારણા હેઠળની આ સ્કીમ સામે કોઈ વિરોધ કે વાંધો વ્યક્ત નથી કર્યો.

આ ઉપરાંત અન્ય સરકારી ઑથૉરિટી જેમ કે આરબીઆઈ, સેબી, બીએસઈ અને એનએસઈએ પણ નિર્ધારિત 31મી જુલાઈ, 2025નાં રોજ પૂરી થતી 30 દિવસની મુદત સુધીમાં કોઈ વિરોધ વ્યક્ત નથી કર્યો આથી કોઈ વાંધા કે વિરોધ પ્રદર્શિત ન થયો હોવાથી એનસીએલટીએ સુઝુકી મોટર ગુજરાત લિ.નું મારુતિ સુઝુકી લિ.માં વિલિનિકરણ માટેની સ્કીમને મંજૂરી આપી છે.

ઉપરોક્ત હકીકતો અને ચર્ચા ઉપરાંત મુખ્યત્વે સંબંધિત અધિકારીઓનાં વલણ તથા સૂચિત યોજનાને તમામ અરજદાર કંપનીઓના સભ્યો તથા લેણદારો દ્વારા આપવામાં આવેલી મંજૂરીને ધ્યાનમાં લેતાં ચોક્કસ શરતોને આધીન યોજનાને મંજૂરી આપવામાં કોઈ અવરોધ નથી જણાતો, એમ બૅન્ચે જણાવ્યું હતું. કંપની ધારા, 2013ની કલમ 230થી 232 હેઠળ પિટિશનર કંપનીઓની પ્રસ્તાવિત અમાલગમેશન સ્કીમ માટેનો આદેશ એનસીએલટી બૅન્ચનાં પ્રમુખ રામલિંગમ અને સભ્ય રવિન્દ્ર ચતુર્વેદીએ પસાર કર્યો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button