ઈન્ટરવલવેપાર

કવર સ્ટોરી : NBFC શું ગુલાબી દિવસો પૂરા થયા?!

-નિલેશ વાઘેલા

એનબીએફસી કંપનીઓ માટે કપરા દિવસોના એંધાણ છે. નાણાકીય સિસ્ટમમાં કોઇ ખલેલ ઉત્પન્ન ના થાય એ માટેની તકેદારીના ભાગરૂપે આમ પણ બેન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બેન્ક સંભવિત જોખમો ટાળવા માટે તાજેતરમાં એનબીએફસીઝ માટેના નિયમનો આકરા બનાવી રહી છે.

નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી)ઓએ રિટેલ ધિરાણની માગમાં વધારા વચ્ચે પાછલા બે વર્ષમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. જો કે, આ ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે, એનબીએફસીની એસેટ વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષં અને તે પછીના આગામી સમયમાં તીવ્ર ધીમી થવાની ધારણા છે.

ઉદ્યોગ નિરીક્ષકો માને છે કે, આ સેકટર માટેના નિયમનકારી ધારાધોરણો અને આવશ્યકતાઓ કડક બનવાને કારણે એસેટ ગુણવત્તાના જોખમો વધી રહ્યાં છે અને આ સેક્ટરને ફાળવાઇ રહેલા બેંક ધિરાણમાં ઘટાડો થઇ રહ્યો છે.

આગામી સમયમાં એનબીએફસીઝ કંપનીઓને સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને
વિકાસ સાધવા માટે પોતાની વ્યૂહરચના બદલવી પડશે અથવા નવી અપનાવવી પડશે!

માર્ચ ૨૦૨૪માં પૂરા થયેલા વર્ષમાં જોવા મળેલી મજબૂત ૨૩ ટકા વૃદ્ધિની સરખામણીમાં વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં એનબીએફસીની એસેટ અંડર મેનેજમેન્ટ (સંચાલન હેઠળની અસ્કયામતો, એયુએમ)ની વૃદ્ધિ ૧૫થી ૧૭ ટકા સુધી મધ્યમ રહેશે, એવો અંદાજ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે રજૂ કર્યો છે.

જોકે આ વૃદ્ધિદર હજુ પણ નાણાકીય વર્ષ ૨૦૧૪-૨૪ના દશકની સરેરાશ ૧૪ ટકાના સ્તર સામે ઊંચી સપાટીએ રહેશે, એવી નોંધ ટાંકતા ક્રિસિલના રિપોર્ટમાં એનબીએફસીઝ ક્ષેત્રે સંભવિત મંદી પાછળ ત્રણ મુખ્ય કારણો જાહેર કર્યાં છે.

સૌપ્રથમ કારણ હાઉસહોલ્ડ ઇડેટેડનેસ (ઘરેલુ સ્તરના કરજની સ્થિતિ) અને એસેટની ગુણવત્તાના જોખમો સંદર્ભની ચિંતા વધી રહી છે, જે ખાસ કરીને માઇક્રોફાઇનાન્સ
અને અનસિક્યોર્ડ લોન જેવા ચોક્કસ રિટેલ એસેટ સેગમેન્ટમાં વૃદ્ધિની વ્યૂહરચનાઓ પર નકારાત્મક અસર કરી શકે છે.

બીજા કારણમાં, ગ્રાહક સુરક્ષા, કિંમત કે મૂલ્યની પારદર્શકતા અને કામકાજને લગતા અનુપાલન પર ધ્યાન કેન્દ્રિત કરીને નિયમનકારી ધોરણો અને શરતોના પાલનની આવશ્યકતાઓ કડક બનાવાઇ રહી હોવાથી એનબીએફસીઝ કંપનીઓએ તેની કામગીરીની પ્રક્રિયાનું પુનર્ગઠન કરવું પડશે.

આ ક્ષેત્ર માટે પડકાર સર્જનાર ત્રીજું કારણ વૈવિધ્યસભર ભંડોળ સ્રોત સુધીની પહોંચમાં અવરોધનું છે. નોંધવું રહ્યું કે, આ કંપનીઓની વિકાસ કે પ્રગતિ માટે આ એક અત્યંત મહત્ત્વનું અને નિર્ણાયક પિરિબળ છે, બેન્ક ધિરાણમાં ઓટ આવવાની પરિસ્થિતિની સૌથી નકારાત્મક અસર એનબીએફસી કંપનીઓ પર જોવા મળશે. અલબત્ત, તમામ કંપનીઓ માટે અલગ અલગ સ્થિતિ હોઇ શકે છે.

સારાંશમાં કહી શકાય કે તાજેતરના નિયમનકારી ઘોષણાઓ અંતર્ગત ઓપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ સંદર્ભે નિયમો અને ધારાધોરણોના પાલન પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. વધુમાં, પાછલા કેટલાક ત્રિમાસિક ગાળામાં કેટલાક સેગમેન્ટમાં એસેટ ગુણવત્તા મેટ્રિક્સ નબળી પડી છે.

આને કારણે, ખાસ કરીને અસુરક્ષિત લોન અને માઇક્રોફાઇનાન્સમાં વૃદ્ધિ વ્યૂહરચનાઓનું પુનર્ગઠન અનિવાર્ય બન્યું છે,

પાછલાં ત્રણ નાણાકીય વર્ષોમાં અસુરક્ષિત ધિરાણ (અનસિક્યોર્ડ લેન્િંડગ)માં ઝડપથી વધારો થયો છે, જે ૪૫ ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ (સીએજીઆર) દર્શાવે છે અને નોંધવું રહ્યું કે હવે તે એકંદર એનબીએફસી એયુએમનો ત્રીજો સૌથી મોટો ઘટક છે. જો કે, રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષમાં અને આગામી વર્ષમાં તે વૃદ્ધિ નોંધપાત્ર રીતે ૧૫ ટકાથી ૧૬ ટકા સુધી મધ્યમ રહેવાની ધારણા છે.

એ જ રીતે, માઇક્રોફાઇનાન્સ સેગમેન્ટ પણ એસેટ ગુણવત્તાના દબાણનો સામનો કરી રહ્યું છે, જે ૨૦૨૩-૨૪માં ૨૫ ટકાના વધારાની સરખામણીમાં આ વર્ષે નિરસ વૃદ્ધિ તરફ દોરી જશે. રેટિંગ એજન્સી માને છે કે, માઇક્રોફાઇનાન્સ સેગમેન્ટમાં આગામી સમયમાં પુન:પ્રાપ્તિની અપેક્ષા છે, પરંતુ તે માત્ર હાલ માત્ર ધારણાં આધારિત છે.

એ બાબત મહત્ત્વપૂર્ણ છે કે, એનબીએફસીને માટે પાછલાં પાંચેક વર્ષ દરમિયાન બેન્ક ધિરાણ મોટાભાગે મુખ્ય આધાર કે સહારો રહ્યું છે. નિયમનકારી રિસ્ક વેઇટેજમાં વધારો કરવામાં આવ્યો ત્યારથી, નવેમ્બર ૨૦૨૩થી બેન્ક ધિરાણ ૧૩ લાખ કરોડથી ૧૩.૫ લાખ કરોડની રેન્જમાં રહ્યું હતું.

મોટાભાગની મોટી એનબીએફસી, ખાસ કરીને પેરેન્ટ કંપનીનો ટેકો ધરાવતી કંપનીઓએ, પાછલા ત્રણ ક્વાર્ટરમાં મૂડી બજારનાં સાધનો, ફોરેન કરન્સી બોરોઇંગ અને સિક્યોરિટાઇઝેશન જેવા વૈકલ્પિક ભંડોળના સ્ત્રોતો પર હાથ અજમાવ્યો છે. બાકીના ખેલાડીઓ માટે, આવા સ્ત્રોતોનો શ્રેષ્ઠ રીતે લાભ ઉઠાવવાનું ચાલુ રાખવું સહેજ મુશ્કેલ રહે છે.

જોકે, ક્રિસિલે એવી ટિપ્પણી કરી છે કે, એનબીએફસીઝમાં ૪૫ ટકા હિસ્સો ધરાવનાર બે સેગમેન્ટ, હોમ લોન અને વ્હીકલ લોન પર મર્યાદિત અસર
પડશે. આ બે પરંપરાગત રીતે મોટા સેગમેન્ટમાં ફંડામેન્ટલ્સ આધારિત વૃદ્ધિ ચાલુ રહેશે.

રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર હોમ લોનમાં ૧૩થી ૧૪ ટકાની સીએજીઆર વૃદ્ધિ જળવાઇ રહેવાની ધારણા છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ રૂ. ૨૫ લાખથી ઓછી લોનનો સમાવેશ ધરાવતાં એફોર્ડેબલ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે લગભગ ૨૨થી ૨૩ ટકા સીએજીઆરની ઝડપે વૃદ્ધિ કરે તેવી શક્યતા છે. એ જ રીતે, વાહન ફાઇનાન્સમાં વૃદ્ધિ મધ્યમ રહેવાનો અંદાજ છે, પરંતુ તે હજુ પણ ૧૫ ટકાથી ૧૬ ટકાની આસપાસ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button