ખાંડમાં ગુણવત્તાલક્ષી સાંકડી વધઘટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહી હતી, પરંતુ માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી હતી. જેમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના ભાવ ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બે વધી આવ્યા હતા. જોકે, ગઈકાલે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં ટકેલા ધોરણે થયાના નિર્દેશો સાથે સ્થાનિકમાં નાકા ડિલિવરી ધોરણે પણ ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના સુધારા અને ઉપલા મથાળેથી રૂ. બેના ઘટાડા સાથે રૂ. ૩૭૨૬થી ૩૮૦૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બેના સુધારા સાથે રૂ. ૩૮૦૨થી ૩૯૬૨માં થયા હતા.