વેપાર

સોના-ચાંદીમાં સાંકડી વધઘટે સામસામા રાહ સોનામાં ₹ ૮૬નો ઘટાડો, ચાંદીમાં ₹ ૮૫નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન ૧૦ પૈસા સુધી મજબૂત થયા બાદ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. તેમ છતાં મક્કમ અન્ડરટોનને ધ્યાનમાં લેતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાની શક્યતા અને મર્યાદિત માગને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૮૫થી ૮૬નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૫નો સાધારણ સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૫ વધીને રૂ. ૭૧,૫૩૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં મક્કમ વલણ રહ્યું હોવાથી આયાત પડતર ઘટવાથી તેમ જ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૫ ઘટીને રૂ. ૬૨,૦૧૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૬ ઘટીને રૂ. ૬૨,૨૬૨ના મથાળે રહ્યા હતા.

આજે મોડી સાંજે અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૩.૭૧ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ૨૦૩૮.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે રોકાણકારોએ ફુગાવાની જાહેરાત પૂર્વે નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું. તાજેતરમાં રૉઈટર્સ દ્વારા ફુગાવા સંબંધી અર્થશાસ્ત્રીઓનાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં ડિસેમ્બર મહિનાનો ફુગાવો વર્ષાનુવર્ષ ધોરણે ૩.૨ ટકાના સ્તરે રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જ્યારે કૉર ઈન્ફ્લેશન વર્ષ ૨૦૨૧ના મધ્ય પછીની સૌથી નીચી ૩.૮ ટકાની સપાટીએ રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. રૉઈટર્સનાં વિશ્ર્લેષક વૉંગ તાઉના મતે જો વૈશ્ર્વિક સોનું ઔંસદીઠ ૨૦૨૩ ડૉલરની સપાટી તોડે તો ભાવ ઘટીને ૨૦૦૬થી ૨૦૧૬ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker