નાકા ડિલિવરી ધોરણે માગને ટેકે ખાંડમાં ₹ ૧૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના નિર્દેશો ઉપરાંત સ્થાનિક સ્તરે રિટેલ સ્તરની ખપપૂરતી માગ તથા સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે આગામી દશેરાના તહેવારની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પ્રબળ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે અંદાજે ૨૯થી ૩૦ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૮થી ૨૯ ટ્રકનો રહ્યો હતો. આમ એકંદરે માગ જળવાઈ રહેતાં હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૪૬થી ૩૮૦૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૨થી ૩૯૪૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.
જોકે, નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગ ઉપરાંત સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ વધી આવ્યા હતા, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૬૦થી ૩૭૧૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૫૦થી ૩૮૧૦માં થયાના અહેવાલ હતા.