Mukesh Ambani આ રાજ્યમાં કરશે 65,000 કરોડનું રોકાણ, રોજગારીની તકો વધશે

મુંબઇ : મુકેશ અંબાણીની(Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આંધ્ર પ્રદેશમાં 500 બાયોગેસ પ્લાન્ટ માટે રૂપિયા 65,000 કરોડના રોકાણની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ રાજ્યમાં પડતર જમીન પર આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં દરેક પ્લાન્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 130 કરોડ આસપાસનો હશે. આ રોકાણના લીધે રાજયમાં 2,50,000 થી વધુ લોકોને રોજગારી મળવાનું અનુમાન છે. ક્લીન એનર્જી પ્રોજેક્ટ હેઠળ ગુજરાત બહાર કંપની દ્વારા
આ સૌથી મોટું રોકાણ હશે.
એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે
રિલાયન્સના કલીન એનર્જી પ્રોજેક્ટના હેડ અનંત અંબાણી અને આંધ્રપ્રદેશના આઇટી મિનિસ્ટર નારા લોકેશ વચ્ચે મુંબઈમાં યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમજ આજે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં રિલાયન્સ અને આંધ્રપ્રદેશના ઉદ્યોગ વિભાગ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.
મૂડી રોકાણ પર 20 ટકા ની મૂડી સબસિડી
આંધ્રપ્રદેશ સરકારે તાજેતરમાં સૂચિત ઇન્ટિગ્રેટેડ ક્લીન એનર્જી પોલિસી હેઠળ બાયોફ્યુઅલ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહનો જાહેર કર્યા છે. મીડિયા અહેવાલ અનુસાર તેમાં પાંચ વર્ષ માટે CBG પ્લાન્ટ્સ પર નિશ્ચિત મૂડી રોકાણ પર 20 ટકા ની મૂડી સબસિડી તેમજ SGST અને પાંચ વર્ષ માટે વીજળીના શુલ્કની સંપૂર્ણ ભરપાઈનો સમાવેશ થાય છે.
રોકાણ માટે તમામ જરૂરી સહાયતા પૂરી પાડીશું
આ અંગે આંધ્રપ્રદેશના આઇટી મિનિસ્ટર નારા લોકેશે જણાવ્યું હતું કે, રોજગાર સર્જન એ અમારા મુખ્ય ધ્યેયો પૈકી એક છે અને અમે રોકાણકારોને આકર્ષવા અને રોજગારીનું સર્જન કરવા ક્લીન એનર્જી યોજના અનેક પ્રોત્સાહનો સાથે જાહેર કરી છે. અમને રિલાયન્સ તરફથી આ રૂપિયા 65,000 કરોડના રોકાણ માટે તમામ જરૂરી સહાયતા પૂરી પાડીશું.
આ પણ વાંચો…..Jharkhand વિધાનસભા ચૂંટણી પૂર્વે ઇડી એક્શનમાં, આ કેસમાં 17 સ્થળોએ દરોડા
રોજગારીની તકોમાં પણ વધારો થશે
મંત્રીએ કહ્યું કે આનાથી 250,000 લોકોને નોકરી મળશે. આ રાજ્યના યુવાનો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ માત્ર સરકારી પડતર જમીનોનું જ નવીનીકરણ કરશે નહીં પરંતુ ખેડૂતો સાથે કામ કરશે અને તેમની આવક વધારવા માટે ઊર્જા પાકોની ખેતીમાં તેમને તાલીમ આપશે.