
મુંબઇઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ટાટા ગ્રૂપની ટીવી અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઈડર ‘ટાટા પ્લે’માં 29.8% હિસ્સો હસ્તગત કરવા માટે વાટાઘાટો કરી રહી છે. રિલાયન્સ વોલ્ટ ડિઝની પાસેથી આ હિસ્સો ખરીદશે. અમેરિકન મનોરંજન કંપની વોલ્ટ ડિઝની ભારતમાં તેના બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ સેવા વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેને કારણે તે સેટેલાઇટ ટેલિવિઝન ઓપરેટર ટાટા પ્લે લિમિટેડમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.
રિપોર્ટ અનુસાર આ ડીલ હજુ ચર્ચાના તબક્કામાં છે. જો આ ડીલ સફળ થશે તો અંબાણી અને ટાટા ગ્રુપ વચ્ચે આ પહેલો સહયોગ હશે. ટાટા સન્સ ‘ટાટા પ્લે’માં 50.2% હિસ્સો ધરાવે છે અને ડિઝની ટાટા પ્લેમાં 29.8% હિસ્સો ધરાવે છે. બાકીના શેર સિંગાપોરની ટેમાસેક પાસે છે. જો આ ડીલ સફળ થશે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંભવિતપણે ભારતમાં એક મુખ્ય મીડિયા પાવરહાઉસ બની જશે.
રિપોર્ટ અનુસાર આ ડીલ સાથે જિયો સિનેમાને ટાટા પ્લેના પ્લેટફોર્મની ઍક્સેસ મળશે અને રિલાયન્સ તેના Jio સિનેમાની તમામ સામગ્રી ટાટા પ્લેના ગ્રાહકોને ઓફર કરશે.
એક વર્ષ પહેલા, ટાટા પ્લેના ત્રીજા હિસ્સેદાર, ટેમાસેકે પણ કંપનીમાં તેનો 20% હિસ્સો વેચવા માટે ટાટા જૂથ સાથે વાત કરી હતી. આ ડીલની કિંમત 1 અબજ ડોલર (લગભગ 8,301 કરોડ રૂપિયા) હતી, પણ બાદમાં આ કરાર આગળ વધી શક્યો ન હતો.