ઊભરતા અર્થતંત્રોમાં ભારત સાત ટકાના વૃદ્ધિદર સાથે અગ્રતાક્રમે રહેશેઃ મૂડીઝ

નવી દિલ્હીઃ વર્ષ 2025માં એશિયા પેસિફિક વિસ્તારના ઊભરતા અર્થતંત્રોમાં ભારત સાત ટકાના આર્થિક વૃદ્ધિદર સાથે અગ્રતાક્રમે રહે તેવી શક્યતતા અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે વ્યક્ત કરતાં આગામી વર્ષ 2026માં 6.4 ટકાના વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો છે.
વધુમાં મૂડીઝે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સ્થાનિક મજબૂત વૃદ્ધિદરના પરિબળોને ટેકો મળતાં એકંદર આર્થિક વૃદ્ધિદરની સ્થિતિ મજબૂત રહેશે. જોકે, ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવા છતાં મોટા ભાગની રેટેડ કંપનીઓ સક્રિયપણે ચલણના જોખમોનું વ્યવસ્થાપન કરીને મજબૂત નાણાકીય બફર ધરાવે છે, જ્યારે રોકાણ ગ્રેડ ધરાવતી કંપનીઓનો આંતરરાષ્ટ્રીય મૂડી બજારોમાં પ્રવેશ જોવા મળ્યો છે.
મૂડીઝે એશિયા પેસિફિક (એપીએસી)નો સરેરાર જીડીપી વૃદ્ધિદર વર્ષ 2024નાં 3.3 ટકા સામે વર્ષ 2025નો વૃદ્ધિદર 3.6 ટકા અને વર્ષ 2026નો 3.4 ટકા અંદાજ્યો છે, જ્યારે વેઈટેડ એવરેજ ધોરણે ઊભરતી બજારોનો સરેરાશ વૃદ્ધિદર વિકસિત બજારોનાં 1.3 ટકાના દર સામે 5.6 ટકા રહેવાની ધારણા મૂકી છે.
વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યોનો મૂડીગત્ ખર્ચ ચારથી છ ટકા વધશે
વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યોનો મૂડીગત્ ખર્ચ ચારથી છ ટકા વધીને આશરે રૂ. 7.5 લાખ કરોડની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા ક્રિસિલ રેટિંગ્સે એક અહેવાલમાં વ્યક્ત કરી છે.
જોકે, આ મૂડીગત્ ખર્ચ આગલા નાણાકીય વર્ષની સરખામણીમાં સાત ટકા કરતાં ઓછો હશે અને દાયકાનાં સરેરાશ 11 ટકાની સરખામણીમાં ઘણો નીચો હશે કેમ કે વધી રહેલી મહેસૂલ ખાધ નાણાકીય સુગમતાને મર્યાદિત કરી રહી હોવાનું અહેવાલમાં જણાવ્યું છે.
વધુમાં અહેવાલમાં ઉમેર્યું હતું કે પાણી પુરવઠો અને સ્વચ્છતા જેમાં ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ તથા સિંચાઈનો સમાવેશ થાય છે તે મૂડીગત્ ખર્ચનાં મુખ્ય પ્રેરક પરિબળો રહેશે. તેમ જ તમામ રાજ્યો પૈકી ટોચના 18 રાજ્યો મૂડીગત્ ખર્ચનો 94 ટકા હિસ્સો ધરાવશે. અહેવાલમાં જણાવ્યાનુસાર રાજ્યોની વધી રહેલી મહેસૂલ ખાધનું મુખ્ય કારણ જીએસટીનાં દરના તાર્કીકરણ સાથે થયેલા ફેરફારો, કેન્દ્ર તરફથી ધીમી સોંપણી અને ફુગાવામાં ઘટાડો થવાને કારણે સાધારણ જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડો થાય છે. બીજી તરફ પ્રતિબદ્ધિત ખર્ચ અને સામાજિક કલ્યાણ યોજનાઓ માટેની ફાળવણીમાં વધારો થવાને કારણે મહેસૂલ ખર્ચ જે સાત ટકા હતો તે તિવ્રપણે વધીને નવ ટકા સુધી થવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
ક્રિસિલ રેટિંગ્સનાં વરિષ્ઠ ડિરેક્ટર અનુજ સેઠીએ જણાવ્યું હતું કે મહેસૂલી ખર્ચમાં વધારાને કારણે રાજ્યોની રાજકોષીય ખાધ વધશે અને મૂડીગત્ ખર્ચ કરવા માટેનો નાણાકીય અવકાશ અને ઉધાર ક્ષમતામાં ઘટાડો થશે. અહેવાલ મૂજબ સરકારી મૂડી ખર્ચની આર્થિક ઉત્પાદન પર ગુણાંકમાં અસર પડતી હોય છે. સરકારી મૂડી ખર્ચ ખાનગી રોકાણકારોને રોકતા એકંદર ખર્ચમાં વધારો કરે છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. રાજ્યો દ્વારા સંસાધનો એકત્રિત કરવાની મર્યાદિત ક્ષમતા તેમના ધિરાણ મૂલ્યાંકન માટેનું મુખ્ય પરિબળ રહેશે, એમ અહેવાલમાં ઉમેર્યું હતું.



