નાણાકીય વર્ષ 2027 માટે દેશના જીડીપીનો અંદાજ 6.4 ટકાઃ મૂડીઝ

જી-20 રાષ્ટ્રો પૈકી ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે
નવી દિલ્હીઃ આગામી નાણાકીય વર્ષ 2026-27માં મજબૂત સ્થાનિક માગ, નીતિવિષયક પગલાં અને સ્થિર બૅન્કિંગ યંત્રણાને ટેકે ભારત જી-20 રાષ્ટ્રો પૈકી ભારત સૌથી ઝડપભેર વિકસતું અર્થતંત્ર રહેવાની સાથે જીડીપી વૃદ્ધિદર 6.4 ટકા રહેવાનો અંદાજ અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે મૂક્યો છે.
મૂડીઝે તેના બૅન્કિંગ સિસ્ટમ આઉટલૂક અંગેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય બૅન્કોની અસ્ક્યામતોની ગુણવત્તા સ્થિતિસ્થાપક રહેશે, એમસએમઈ (માઈક્રો, સ્મોલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસ)એકમોમાં થોડો તણાવ રહેશે તેમ છતાં બૅન્કો પાસે લોન નુકસાનને શોષી લેવા માટે પર્યાપ્ત માત્રામાં અનામત રહેશે.
આપણ વાચો: મહારાષ્ટ્ર જીડીપીનો મુખ્ય ચાલક હોવા છતાં ખાલી હાથ: કોંગ્રેસ
એકંદરે વર્ષ 2026માં સૂક્ષ્મ આર્થિક પરિસ્થિતિઓ અને માળખાકીય સુધારાઓ થકી બૅન્કો માટે કાર્યકારી વાતાવરણ મજબૂત રહેશે, એમ અહેવાલમાં ઉમેર્યું હતું.
આમ મજબૂત વપરાશી માગ અને નીતિવિષયક પગલાંઓને ટેકે જી-20 અર્થતંત્રો પૈકી ભારત સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર તરીકે 6.4 ટકાનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર દાખવે તેવો અમે અંદાજ મૂક્યો છે. ગત સાલ વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં કરવામાં આવેલા વધારા ઉપરાંત ગત સપ્ટેમ્બર મહિનામાં જીએસટીના દરનું તાર્કિકરણ કરવાને કારણે માગની વૃદ્ધિનો અર્થતંત્રને ટેકો મળશે અમ મૂડીઝે અહેવાલમાં જણાવ્યું હતું.
આપણ વાચો: એડીબીએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપીનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો…
અત્રે નોંધનીય બાબત એ છે કે ગયા મહિનામાં આર્થિક સર્વેક્ષણ દરમિયાન સરકાર દ્વારા નાણાકીય વર્ષ 27 માટે મૂકવામાં આવેલા 6.8થી 7.2 ટકાના જીડીપીના અંદાજ સામે મૂડીઝ દ્વારા મૂકવામાં આવેલો અંદાજ ઓછો અથવા તો નીચો છે. વધુમાં વર્તમાન નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિદરનો અધિકૃત અંદાજ આગલા નાણાકીય વર્ષ 2024-25ના 6.5 ટકા સામે વધારીને 7.4 ટકા મૂકવામાં આવ્યો છે.
વધુમાં મૂડીઝે યાદીમાં જણાવ્યું હતું કે ફુગાવો દબાણ હેઠળ છે અને વૃદ્ધિદર મજબૂત છે આથી જો ભવિષ્યમાં અર્થતંત્ર અથવા તો આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડશે તો જ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા વ્યાજદરમાં કાપ મૂકવાનું પગલું લે તેમ જણાય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રિઝર્વ બૅન્કે ગત વર્ષ 2025માં નીતિવિષયક દર 125 બેસિસ પૉઈન્ટ ઘટાડીને 5.25 ટકા કર્યા હતા.


