ડૉલર સામે રૂપિયામાં એક પૈસાની સાધારણ નરમાઈ

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો આવ્યો હોવા છતાં ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી જળવાઈ રહી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સાધારણ એક પૈસાના ઘટાડા સાથે ૮૩.૨૬ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૨૫ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૨૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૭ અને ઉપરમાં ૮૩.૨૪ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે સાધારણ એક પૈસો ઘટીને ૮૩.૨૬ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૧૩ ટકા ઘટીને ૧૦૬.૪૨ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૧.૨૮ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૮૯.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.