સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૫ના સુધારા સાથે રૂ. ૩૬૦૦થી ૩૬૪૦માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેવાની સાથે સ્મોલ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી આવી હોવાથી હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો ઘટાડો આવ્યો હતો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ ટકેલા રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. તેમ જ આજે માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના ઘટાડા સાથે રૂ. ૩૭૨૬થી ૩૮૦૨માં થયા હતા અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૩૬થી ૩૯૬૦માં ટકેલા ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૩૬૫૦થી ૩૭૦૦માં અને રૂ. ૩૭૩૦થી ૩૮૦૦માં ગુણવત્તાનુસાર થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.